Election Result: કોંકણમાં કોણે વગાડ્યા ડંકા? ‘મહાયુતિ’નું ખાતામાં 7 બેઠક

મુંબઈ: લોકસભા ચૂંટણીના પરિણાોમાં (Lok Sabha Election Result)માં મહારાષ્ટ્રમાં એકંદરે ‘મહાયુતિ’ને ફટકો પડ્યો છે, પણ રાજ્યનો કોંકણ પટ્ટો ભાજપના નેતૃત્વ હેઠળની મહા યુતિની પડખે ઊભો રહ્યો છે. દરિયાઈ કિનારા વિસ્તારના કોંકણ પટ્ટામાં લોકસભાની 12 બેઠક છે, જેમાંથી સાત બેઠક પર મહાયુતિને સફળતા મળી છે.
ભાજપનો પાલઘર, રત્નાગિરી-સિંધુદુર્ગ અને ઉત્તર મુંબઈમાં વિજય થયો છે, જ્યારે અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીને એકમાત્ર સફળતા રાયગઢની બેઠક પર મળી છે. સુનીલ તટકરેએ બેઠક જાળવી રાખી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વાયવ્ય મુંબઈની બેઠક ઉપરાંત મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ની થાણે અને કલ્યાણ બેઠક પર વર્ચસ્વ સાબિત કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મુંબઈમાં ચાર બેઠક પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા અને તેમાંથી ત્રણનો વિજય થયો હતો.
જોકે, તેનો પ્રભાવ હતો એ રાયગઢ અને રત્નાગીરી – સિંધુદુર્ગ બેઠક ગુમાવી હતી. મુંબઈની કુલ છ બેઠકમાંથી શિવસેના (યુબીટી)નો ત્રણ બેઠક પર વિજય થયો હતો, જ્યારે બાકીની ત્રણ શિંદેની શિવસેના અને કોંગ્રેસના ફાળે રહી હતી.
સૌથી રસાકસીપૂર્ણ લડત વાયવ્ય મુંબઈમાં જોવા મળી હતી. શિવસેના (એકનાથ શિંદે)ના રવિન્દ્ર વાઇકરે માત્ર 48 મતના તફાવતથી શિવસેના (યુબીટી)ના અમોલ કીર્તિકરને હરાવ્યા હતા. કોંગ્રેસ એક દસકા પછી મુંબઈમાં વિજય મેળવવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચો : Lok Sabha Election Result: જેલમાંથી જીત્યા બે Candidates, કઈ રીતે કરશે કામ?
શહેર એકમના અધ્યક્ષ વર્ષા ગાયકવાડે નામાંકિત વકીલ ઉજ્જવલ નિકમ (ભાજપ)ને પરાજિત કર્યા હતા. એમએમઆરની ચાર બેઠકમાંથી એનસીપી (એસપી)એ ભીવંડીની બેઠક પર વિજય અંકે કર્યો હતો જ્યારે થાણે અને કલ્યાણની બેઠકો એકનાથ શિંદેની શિવસેનાના ભાગે આવી હતી.
મહારાષ્ટ્રની કુલ 48 લોકસભા બેઠકમાંથી શિવસેના (યુબીટી), એનસીપી (એસપી) અને કોંગ્રેસની મહાવિકાસ આઘાડીએ 30 બેઠક પર વિજય મેળવ્યો હતો જ્યારે ભાજપ, શિવસેના અને અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીના ફાળે 17 બેઠક આવી હતી.