રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નામ અને પ્રતીક બાબતે ચૂંટણી પંચનો નિર્ણય આખરી: અજિત પવાર
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સોમવારે જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નામ અને ચૂંટણી પ્રતીક બાબતે ચૂંટણી પંચનો આખરી નિર્ણય અમે સ્વીકારીશું. પુણેમાં ગણેશ મંડપોની મુલાકાત દરમિયાન પ્રસારમાધ્યમોના પ્રતિનિધિઓ સાથે વાતચીતમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના તેમના જૂથ અને શરદ પવારના જૂથે ચૂંટણી પંચને સુપરત કરેલા દાવાના સંદર્ભમાં અજિત પવારે ઉપરોક્ત બાબત જણાવી હતી.
અજિત પવારે ગયા જુલાઈ મહિનામાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના શરદ પવાર જૂથથી છેડો ફાડીને આઠ વિધાનસભ્યો સાથે મહારાષ્ટ્રની એકનાથ શિંદે પ્રણિત સરકારમાં જોડાયા હતા. તેમણે પક્ષમાં સૌથી વધુ વિધાનસભ્યોનો તેમને ટેકો હોવાનો દાવો કર્યો હતો. અજિત પવારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નામ અને ચૂંટણી પ્રતીક પર પોતાના જૂથનો દાવો ચૂંટણી પંચને સુપરત કર્યો હતો. એ દાવાને શરદ પવાર જૂથે ચૂંટણી પંચમાં પડકાર્યો હતો. એ બાબતે ચૂંટણી પંચે હજુ નિર્ણય આપ્યો નથી.
અજિત પવારના જૂથમાં જોડાયેલા વિધાનસભ્યો સામે શરદ પવાર જૂથ પગલાં લે એવી શક્યતા વિશે અજિત પવારે જણાવ્યું હતું કે તેઓ તેમના અધિકારોનો ઉપયોગ કરી શકે છે. અજિત પવારે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે આખરી નિર્ણય લેવાનો છે. બન્ને પક્ષો ચૂંટણી પંચ પાસે ગયા છે. હવે આખરી નિર્ણય પંચે આપવાનો છે. દરેક પક્ષ આપેલી તારીખોએ પોતાનું વલણ સ્પષ્ટ કરશે. મારી બાબતમાં એટલું કહી શકું કે હું ચૂંટણી પંચનો આખરી નિર્ણય માન્ય રાખીશ. (એજન્સી) ઉ