મહારાષ્ટ્રની 11 વિધાન પરિષદની બેઠકોની ચૂંટણી 12 જુલાઈએ
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની 11 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીઓ 12 જુલાઈના રોજ કરવામાં આવશે એવી જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી.
રાજ્યના વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટી કાઢવામાં આવતા વિધાન પરિષદના સભ્યોની 11 બેઠકની છ વર્ષની મુદત 27 જુલાઈના રોજ પૂરી થઈ રહી છે. તેમના સ્થાને નવા સભ્યોને ચૂંટી કાઢવા માટેની ચૂંટણીનું નોટિફિકેશન 25 જૂને બહાર પાડવામાં આવશે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ બીજી જુલાઈ છે, પાંચમી સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. જરૂર પડશે તો 12 જુલાઈએ મતદાન હાથ ધરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં બે પક્ષો શિવસેના અને એનસીપીના ભંગાણ પછી આ પહેલી વિધાન પરિષદની ચૂંટણી છે. એકનાથ શિંદે પાસે 39 વિધાનસભ્ય હોવાનો દાવો કરવામાં આવે છે, જ્યારે અજિત પવાર પાસે 41 વિધાનસભ્ય હોવાનો દાવો થઈ રહ્યો છે. 288 વિધાનસભ્યોના ગૃહમાં ભાજપ પાસે 104 વિધાનસભ્ય છે.
નિવૃત્ત થનારા સભ્યોમાં મનીષા કાયંદે, વિજય ગિરકર, અબ્દુલ્લા દુરાની, નિલય નાઈક, એડ. અનિલ પરબ, રમેશ પાટીલ, રામરાવ પાટીલ, ડો. વજાહત મિર્ઝા, ડો. પ્રજ્ઞા સાતવ, મહાદેવ જાનકર અને જયંત પાટીલનો સમાવેશ થાય છે.