મુંબ્રામાં બિલ્ડિંગનો ભાગ તૂટી પડતાં વૃદ્ધાનું મોત, પુત્રવધૂ ઘાયલ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબ્રામાં બિલ્ડિંગનો ભાગ તૂટી પડતાં વૃદ્ધાનું મોત, પુત્રવધૂ ઘાયલ

થાણે: થાણે જિલ્લાના મુંબ્રામાં બિલ્ડિંગનો ભાગ તૂટી પડતાં ત્યાંથી પસાર થઇ રહેલી 62 વર્ષની વૃદ્ધાનું મૃત્યુ થયું હતું, જ્યારે તેની પુત્રવધૂને ગંભીર ઇજા પહોંચી હતી.

મુંબ્રા વિસ્તારના દૌલતનગરમાં લકી કમ્પાઉન્ડ ખાતે ડી-વિંગ બિલ્ડિંગમાં સોમવારે મોડી રાતના 12.36 વાગ્યે આ ઘટના બની હતી, એમ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ, 2013માં પણ લકી કમ્પાઉન્ડમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં 74 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા હતા.

તાજેતરની ઘટનામાં પચીસ વર્ષ પૂર્વે બાંધવામાં આવેલી ચાર માળની બિલ્ડિંગના ઉપરના માળે આવેલા એક ફ્લેટના છજાનો ભાગ તૂટી નીચે રસ્તા પર ચાલી રહેલી વૃદ્ધા અને તેની પુત્રવધૂ પર પડ્યો હતો.

આ ઘટનામાં નાહિદ જૈનુદ્દીન જમાલી (62) અને તેની પુત્રવધૂ ઇલમા ઝેહરા જમાલીને ગંભીર ઇજા પહોંચી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ નાહિદને તપાસીને મૃત જાહેર કરી હતી.

નાહિદ જમાલી આ જ વિસ્તારમાંના સના ટાવરમાં રહેતી હતી. તેની પુત્રવધૂ ઇલમાને કાલસેકર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પાલિકાએ આ બિલ્ડિંગને ‘સી-2બી’ કેટેગરી હેઠળ જોખમી જાહેર કરી હતી. સુરક્ષાના કારણોસર બિલ્ડિંગમાંના તમામ ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા હતા અને પરિસરને સીલ કરાયો હતો. અહીંના રહેવાસીઓએ તેમના સંબંધીઓ સાથે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.

દરમિયાન બનાવની જાણ થતાં મુંબ્રા વોર્ડ સમિતિ, ફાયરબ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

યાસિન તડવીએ જણાવ્યું હતું કે ફાયરબ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના સ્ટાફની મદદથી ઉપરોક્ત ફ્લેટના છજાનો જોખમી ભાગ તથા બારીની ગ્રિલ દૂર કરાયાં હતાં. (પીટીઆઇ)

આપણ વાંચો:  મહારાષ્ટ્રમાં વિસર્જનને કારણે 22 લોકોના મોત

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button