થાણેમાં એકનાથ શિંદેનું જોરદાર શક્તિપ્રદર્શન
પચ્ચીસ હજાર કરતાં વધુ કાર્યકરો ઉતર્યા રસ્તા પર
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે થાણે, કલ્યાણ અને પાલઘર આ ત્રણેય ઠેકાણે ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે અને આમાંના થાણે અને પાલઘર ખાતે રવિવારે રાતે શિંદે દ્વારા પોતાનું પ્રભુત્વ દર્શાવતા જોરદાર શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. શિંદે દ્વારા થાણેમાં સખી મહોત્સવ યોજવામાં આવ્યો હતો.
આ મહોત્સવમાં શિંદે જૂથની શિવસેનાના વિધાનસભ્યો, સાંસદો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સામેલ થયા હતા અને લગભગ પચ્ચીસ હજાર જેટલી મેદની રસ્તા પર ઉતરી હતી, જેમાં ખાસ કરીને મહિલાઓ હતી. આ ઉપરાંત મહિલા બચત ગટ પણ આ શક્તિ પ્રદર્શનમાં સહભાગી થયો હતો. એવું કહેવામાં આવે છે કે આ શક્તિ પ્રદર્શન વિરોધ પક્ષો ઉપરાંત ભાજપને પણ આ બંને જિલ્લામાં પોતાની તાકાતનો પરચો દેખાડવા માટે કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: આ તો બધા ખેડૂત પુત્રોનું અપમાન: ઉદ્ધવ ઠાકરેના નીચ વાળા નિવેદન પર એકનાથ શિંદેનો જવાબ
થાણે, નવી મુંબઈ, મીરા-ભાયંદર, પાલઘર જેવા વિસ્તારોમાં જિલ્લા સંગઠનોના માધ્યમે શિંદે સેના દ્વારા છેલ્લા અનેક મહિનાઓથી મહિલા બચત ગટની નાનકડી બેઠકો બોલાવીને તેમની મદદ કરવામાં આવી રહી છે અને તેની જવાબદારી શિંદે સેનાના મહિલા વિભાગના અધ્યક્ષા અને થાણે જિલ્લાના ભૂતપૂર્વ મેયર મિનાક્ષી શિંદેને આપવામાં આવેલી છે.
મહિલાઓને કરવામાં આવેલી મદદ અને અન્ય તમામ માહિતી એકઠી કરવાની જવાબદારી મુખ્ય પ્રધાન કાર્યાલયમાં એક વિશેષ અધિકારીને સોંપવામાં આવી હોવાના સમાચાર છે. રવિવારે થાણેમાં હાયલેન્ડ પાર્કમાં એક મેદાનમાં આયોજિત કરવામાં આવેલો સખી મહોત્સવ આ જ યોજનાનો એક ભાગ હોવાની ચર્ચા છે.
આ પણ વાંચો: કોંગ્રેસે દલિતો અને મુસ્લિમોનો વોટબેંક તરીકે ઉપયોગ કર્યો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
ઉલ્લેખનીય છે કે થાણે લોકસભા બેઠક ઉપર ભાજપ હજી દાવો માંડી રહી હોવાનું કહેવાય છે અને પાલઘર અથવા તો થાણે બંનેમાંથી એક બેઠક પોતાને મળે તેવા પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેને પગલે ભાજપને પણ આ વિસ્તારોમાં પોતાની તાકાતનો પરચો શિંદેએ આ મહોત્સવ દ્વારા દર્શાવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.