આર્મીના ભૂતપૂર્વ સૈનિકોના ઉદ્ધાર માટે એકનાથ શિંદે સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સરહદે દેશની સુરક્ષા કાજે તહેનાત રહીને જરૂર પડ્યે માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપી માભોમનું ઋણ ચૂકવનારા પ્રત્યે દેશ અને રાજ્યના માથે પણ ઋણ હોય છે, જે ચૂકવવા તેમની બને તેટલી સેવા કરવાના ઇરાદે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભૂતપૂર્વ સૈનિકો માટે એક મહામંડળ સ્થાપવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ખેડૂતોને રાહત આપવા માટે એકનાથ શિંદે સરકાર આ કામ કરશે
ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણ માટે આ અંગે મુખ્ય પ્રધાનની અધ્યક્ષતા હેઠળ સહ્યાદ્રી ગેસ્ટ હાઉઝ ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગના અધિકારીઓ પણ હાજર હતા.
આ બેઠકમાં મુખ્ય પ્રધાન શિંદેએ ખારઘર ખાતે ભૂતપૂર્વ સૈનિકો માટે વિશ્રામગૃહ(ગેસ્ટ હાઉઝ) બનાવવા વિશે, મેસ્કો (મહારાષ્ટ્ર એક્સ-સર્વિસમેન કોર્પોરેશન) દ્વારા હાથ ધરાતા ઉપક્રમો, વેતન, મુંબઈમાં આર્મી મ્યુઝિયમ, સૈનિકોના ગામ મનાતા અપશિંગે ગામને વિશેષ દરજ્જો આપી તેનો સર્વાંગી વિકાસ કરવો, ભૂતપૂર્વ સૈનિકોને ટોલમાંથી મુક્તિ જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.
આ પણ વાંચો: Maharashtra Rains: ભારે વરસાદને લઈ એકનાથ શિંદે એક્શનમાં
આ દરમિયાન શિંદેએ જણાવ્યું હતું કે સૈનિકો દેશ માટે પોતાના જીવની ચિંતા કર્યા વિના સરહદ પર પોતાની ફરજ બજાવે છે. આવા ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણ માટે મહામંડળની સ્થાપના કરવામાં આવશે. સિડકો દ્વારા ભૂતપૂર્વ સૈનિકો માટે વિશ્રામગૃહ માટે અપાયેલી જમીન પર તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવે. ભૂતપૂર્વ સૈનિકોની સમસ્યાઓ દૂર કરવા માટે તેમ જ રાજ્ય સરકારના દરેક વિભાગ તત્પર રહે અને તેમના કલ્યાણની યોજનાઓ ઝડપથી હાથ ધરવામાં આવે, તેવો આદેશ શિંદેએ આપ્યો હતો.