એકનાથ શિંદેએ કાફલો રોકીને અકસ્માતગ્રસ્ત મહિલાને હોસ્પિટલે પહોંચાડી
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો કાફલો થાણે અને મીરા-ભાયંદર વચ્ચે કલવા બ્રિજ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ત્યાં એક રિક્ષાનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે જખમી થઇ હતી.
આ દૃશ્ય જોતા જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાનો કાફલો રોક્યો હતો અને જખમી મહિલાની મદદ માટે દોડી ગયા હતા. એકનાથ શિંદેએ પોતાના કાફલામાં રહેલી એક પોલીસ વેનમાં મહિલાને હૉસ્પિટલ પહોંચાડી હતી.
ગઇકાલે મંગળવારે મુંબઈમાં મતદાન હોવાથી એકનાથ શિંદે પોતાના કુટુંબ સહિત મતદાન કરવા પહોંચ્યા હતા અને ત્યાર બાદ તે વિવિધ મતદાન કેન્દ્રોમાં જઇને ત્યાંનું નિરીક્ષણ કરી રહ્યા હતા. એ જ દરમિયાન તે કલવા બ્રિજ ખાતેથી પસાર થઇ રહ્યા હતા.
જોકે, મુખ્ય પ્રધાનનો કાફલો ત્યાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે જ એક રિક્ષાનો અકસ્માત થયો હતો. અકસ્માત થવાના કારણે તેમાં બેઠેલી મહિલા બહાર પડી ગઇ હતી અને તેને ગંભીર ઇજા થઇ હતી. જેને પગલે મુખ્ય પ્રધાન પોતે કાફલાને રોકીને અકસ્માતના સ્થળે પહોંચ્યા હતા.
મહિલાની મદદ કરવા ઉપરાંત જખમી રિક્ષા ડ્રાઇવર સાથે પણ શિંદેેએ વાતચીત કરી હતી અને તેને વધુ ઇજા પહોંચી છે કે નહીં તેની પૂછપરછ કરી તેને પોતાના હાથે પાણીની બોટલ આપી હતી. મુખ્ય પ્રધાનના આ માનવતાવાદી સ્વભાવના લોકોએ ઇન્ટરનેટ પર ખૂબ વખાણ કર્યા હતા