મહાનગરપાલિકાની ચૂંટણીમાં બેઠક ફાળવણીમાં શિવસેના સાથે અન્યાય નહીં થાય: શિંદે

મુંબઈ: આગામી બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મુંબઈ મહાનગરપાલિકા) ચૂંટણી માટે બેઠકો નક્કી કરવામાં પસંદગીની યોગ્યતા મુખ્ય પરિબળ હશે, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
શિવસેનાના શાખા પ્રમુખોને સંબોધિત કરતા શિંદેએ એમ પણ કહ્યું હતું કે પાલિકા ચૂંટણીમાં ગઠબંધનના દરેક ઘટકને ફાળવવામાં આવેલી બેઠકોની સંખ્યા કરતાં મહાયુતિની સામૂહિક જીત વધુ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચના માટે ફક્ત આટલા લોકોના આવ્યા વાંધા અને સૂચનો
તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે મહાયુતિના બેઠકોની વહેંચણી કરાર દરમિયાન શિવસેનાને યોગ્ય સન્માન આપવામાં આવશે. મહાયુતિમાં ભાજપ, શિવસેના અને એનસીપીનો સમાવેશ છે. શિવસેના જાન્યુઆરી 2026ના અંત સુધીમાં યોજાનારી નાગરિક ચૂંટણી પહેલા લોકસભા મતવિસ્તાર મુજબ બેઠકોનું આયોજન કરી રહી છે.
મુંબઈ મહાનગરપાલિકા પર ભગવો ઝંડો લહેરાશે એવો દાવો કરી નાયબ મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે શિવસેનાના શાખા પ્રમુખો કામની સારી રીતે વાકેફ છે, પણ સમસ્યા સમજવા માટે લોકો સાથે તેમણે વાતચીત કરવી જોઈએ.