શિંદેનો ઉદ્ધવ પર વળતો પ્રહાર, તેમને ‘મુંબઈના ખજાના પર ભરડો લેનાર એનાકોન્ડા’ ગણાવ્યા...
આમચી મુંબઈ

શિંદેનો ઉદ્ધવ પર વળતો પ્રહાર, તેમને ‘મુંબઈના ખજાના પર ભરડો લેનાર એનાકોન્ડા’ ગણાવ્યા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કરતાં તેમને એક અતૃપ્ત ભૂખવાળા એનાકોન્ડા સાથે સરખાવ્યા જે મુંબઈના ખજાનાની આસપાસ ફરતો ભરડો લઈને પડ્યો છે.

ઠાકરેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મુંબઈને ગળી જવા માગતા એનાકોન્ડા સાથે સરખામણી કરી તેના પર એકનાથ શિંદે દ્વારા આ જવાબ આપવામાં આવ્યો હતો. પત્રકારો સાથે વાત કરતાં નાયબ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, ‘જેઓ (બીજાઓને) એનાકોન્ડા ગણાવે છે તેઓ પોતે જ એનાકોન્ડા છે જેમણે મુંબઈના ખજાનાની આસપાસ ભરડો લીધો છે. આ એનાકોન્ડાની ખાસિયત એ છે કે તેનું પેટ ક્યારેય ભરાતું નથી.’

‘તે મુંબઈ, તેની તિજોરી, ઘણા પ્લોટ, દર્દીઓ માટેનો ‘ખીચડી’ પણ ગળી ગયો છે (કોવિડ-19 રોગચાળા દરમિયાન). તેઓ બોડી બેગમાં અને મીઠી નદીના કાંપમાં પણ ભ્રષ્ટાચારમાં ડૂબી ગયા. આ એનાકોન્ડાની ભૂખ અતૃપ્ત છે,’ એમ તેમણે વિરોધ પક્ષ પર આરોપ લગાવવામાં આવતા કથિત કૌભાંડોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની અવિભાજિત શિવસેનાએ 1997થી 2022 સુધી 25 વર્ષ સુધી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) પર નિયંત્રણ રાખ્યું હતું. સોમવારે શાહ અંગેના ઠાકરેના નિવેદનની ભાજપ તરફથી આકરી ટીકા થઈ હતી, જેમાં મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં હારથી ઠાકરે હતાશ થઈ ગયા છે.

‘ઉદ્ધવજીએ પોતાને અરીસામાં જોવું જોઈએ કારણ કે તેઓ એક અજગર છે જે નિષ્ક્રિય રહે છે અને બીજાઓ દ્વારા કરવામાં આવતી મહેનત પર સિસકારા ભરે છે,’ એમ બાવનકુળેએ કહ્યું હતું.

આ પણ વાંચો…ઉદ્ધવ ઠાકરેનો અમિત શાહ પર હુમલો: ભાજપ ‘એનાકોન્ડા’ જેવું, મુંબઈ ગળી જવાના પ્રયાસો સામે લડી લેવાની પ્રતિજ્ઞા

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button