આમચી મુંબઈ

રોડના કૉંક્રીટીકરણનું કામ 31 મે પહેલાં પૂર્ણ કરો: એકનાથ શિંદે…

આદિત્ય ઠાકરેની હાજરીમાં થઈ હતી મુંબઈના વિધાનસભ્યોની બેઠક

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે કહ્યું હતું કે બધા જ ચાલી રહેલા રસ્તાના કૉંક્રીટીકરણના કામ 31 મે પહેલાં પૂરા કરવામાં આવે. તેઓ મુંબઈના વિધાનસભ્યોને માટે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર દ્વારા રસ્તાના કૉંક્રીટીકરણને મુદ્દે બોલાવવામાં આવેલી બેઠકમાં બોલી રહ્યા હતા. કેટલાક વિધાનસભ્યો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો રસ્તાની ગુણવત્તા હલકી છે.

આ વખતે પહેલી વખત એવું બન્યું હતું કે એકનાથ શિંદેની હાજરીવાળી બેઠકમાં શિવસેના (યુબીટી)ના નેતા અને વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે હાજર રહ્યા હતા. એકનાથ શિંદે મોડા આવ્યા ત્યારે આદિત્ય ઠાકરેએ મોં મચકોડીને નારાજી વ્યક્ત કરી હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા હતા.

ઠાકરેની શિવસેના (યુબીટી) અને શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના કટ્ટર વિરોધીઓ છે.
શિંદેએ કહ્યું હતું કે ચાલી રહેલા રસ્તાના કૉંક્રીટીકરણના કામ 31 મે પહેલાં પૂરા થવા જોઈએ અને જ્યાં સુધી આ કામ પૂરા ન થાય ત્યાં સુધી નવા રસ્તા ખોદવામાં આવશે નહીં. આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (એએમસી) એપ્રિલ મહિનામાં મહાનગર ગેસ અને વીજ કંપનીના પ્રતિનિધિઓ સાથે ચાલી રહેલા રસ્તાના કામની સમીક્ષા કરશે અને પછી જ કામ પૂર્ણ કરવાનું સમયપત્રક તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો : મુંબઈમાં મંગળવારથી નાળાસફાઈ શરૂ થશે…

આદિત્ય ઠાકરેએ રસ્તાની ખરાબ ગુણવત્તા અંગે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ) દ્વારા તપાસની માગણી કરી હતી, એવી માહિતી તેમના પક્ષના સાથી વિધાનસભ્ય અને વાંદ્રા – પુર્વના વિધાનસભ્ય વરુણ સરદેસાઈએ આપી હતી.
ભાજપના વિધાનસભ્ય અતુલ ભાતખળકરે કહ્યું હતું કે તેમણે વોર્ડ અધિકારીઓમાં સંકલનના અભાવનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. સ્પીકર નાર્વેકરે કહ્યું હતું કે રાજ્ય સરકારે જોવું જોઈએ કે રસ્તાના ચાલી રહેલા કૉંક્રીટીકરણના કામ માટે તપાસની આવશ્યકતા છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button