કેબિનેટની બેઠકમાં મહાયુતિની નારાજીનો ભડકો: શિંદે સેનાના પ્રધાનોનો બહિષ્કાર, ભાજપ દ્વારા કશું ન થયું હોવાનો દેખાવ

વિપુલ વૈદ્ય
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મંગળવારે અભૂતપૂર્વ ધમાલ જોવા મળી હતી. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના પ્રધાનોએ સાગમટે કેબિનેટની બેઠકનો બહિષ્કાર કર્યો હતો અને આનાથી આખા રાજ્યમાં અનેક અટકળો વહેતી થઈ છે.
પ્રથમ નજરે કલ્યાણ-ડોંબિવલી મનપા વિસ્તારના શિંદે સેનાના કેટલાક નેતાઓને ભાજપમાં પ્રવેશ આપવા સામે આ નારાજી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ થોડો અભ્યાસ કરવામાં આવતાં જણાયું કે મંગળવારના એક જ દિવસમાં એવા ત્રણ બનાવો બન્યા હતા જેને કારણે શિંદે સેનામાં નારાજીનો ભડકો ઉઠ્યો હતો જેનો પડઘો બહિષ્કારમાં જોવા મળ્યો હતો.
આ બહિષ્કારની ચર્ચા એટલા માટે પણ વધારે થઈ રહી છે કેમકે શિંદે સેનાના નેતાઓ કેબિનેટની બેઠક પહેલાંની બેઠકમાં હાજર હતા અને કેબિનેટની બેઠકમાં ગેરહાજર રહ્યા બાદ તેઓ મુખ્ય પ્રધાનની કેબિનમાં તેમને મળવા માટે પણ પહોંચ્યા હતા. એટલે કે મંત્રાલયમાં જ હોવા છતાં કેબિનેટની બેઠકમાં તેઓ ધરાર ગેરહાજર રહ્યા હતા.
આપણ વાચો: એકનાથ શિંદે ભાજપના ચક્રવ્યૂહમાં ફસાયા?
ભાજપ દ્વારા જોકે, બહિષ્કાર જેવું કશું કરવામાં આવ્યું હોવાનું ધરાર નકારી કાઢવામાં આવ્યું હતું. બાવનકુળે ઉપરાંત બીજા બે ભાજપના સિનિયર નેતાએ કોઈ બહિષ્કાર ન હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ શિવસેનાના નેતાઓએ પણ બહિષ્કાર ન હોવાનો દાવો કરીને આ ફક્ત સંયોગ હોવાનો દાવો કર્યો હતો.
કેબિનેટ બેઠક પછી, શિવસેનાના પ્રધાનો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમની ઓફિસમાં મળવા ગયા હતા. આ સમયે શિવસેનાના પ્રધાનોએ દેવેન્દ્ર ફડણવીસને કહ્યું હતું કે તમે જે કરી રહ્યા છો તે યોગ્ય નથી. તેમનો સંદર્ભ કલ્યાણ-ડોમ્બિવલીમાં ઓપરેશન લોટસ અંગે હતો.
આ સમયે દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેની સામે શિવસેનાના પ્રધાનોની ઝાટકણી કાઢતાં બધોે હિસાબ આપ્યો હતો. પ્રધાનો ગુલાબરાવ પાટિલ, સંજય શિરસાટ, પ્રતાપ સરનાઈક અને ભરત ગોગાવલે પોતાની નારાજગી વ્યક્ત કરવા મુખ્ય પ્રધાનને મળવા ગયા હતા. આ વખતે દેવેન્દ્ર ફડણવીસે તેમને હિસાબ ગણાવતાં કહ્યું કે તમે જ ઉલ્હાસનગરમાં આવું કરીને બધાની શરૂઆત કરી હતી.
આપણ વાચો: ભાજપનો થાણેમાં ‘એકલા ચલો રે’નો સંકેત?: એકનાથ શિંદેને પડકારવાનો પ્રયાસ
મંગળવારે શું થયું હતું?
કલ્યાણ ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિંદેની શિવસેનાના ભૂતપૂર્વ કોર્પોરેટરો મહેશ પાટિલ, સુનિતા પાટિલ અને સાયલી વિચારે ભાજપમાં જોડાયા છે એક રીતે તેમનું સ્વગૃહે આગમન થયું છે.
ભાજપ સત્તામાં આવ્યા પછી અને પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણના પ્રયાસો પછી, ત્રણેય ભૂતપૂર્વ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા. તેથી, શિંદેની શિવસેના માટે આ એક આંચકો માનવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ડોંબિવલીના દિવંગત નગરસેવક વામન મ્હાત્રેના પુત્ર અનમોલ મ્હાત્રેનો પણ ભાજપ પ્રવેશ કરાવાયો હતો.
આ ઉપરાંત મંગળવારે જ દાદા ભૂસેને વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર લડાઈ આપનારા શિવસેના (યુબીટી)ના નેતા અદ્વૈય હીરેને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આવી જ રીતે શિંદેના અન્ય એક પ્રધાન સંજય શિરસાટની સામે વિધાનસભાની ચૂંટણી લડનારા રાજુ શિંદેને શિવસેના (યુબીટી)માંથી ભાજપમાં લેવામાં આવ્યા છે. એક રીતે આ બધા પક્ષપ્રવેશને ભાજપની શત પ્રતિશત ભાજપની દિશામાં આગળ વધવાનું પગલું માનવામાં આવી રહ્યું છે. કેમ કે મંગળવારે રાજ્યના ત્રણ અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવેલા પક્ષપ્રવેશ એકનાથ શિંદેને ફટકો મારવા સમાન હતા.
શિંદેની સેના કયા પ્રવેશથી નાખુશ છે?
શંભુરાજ દેસાઈ વિ સત્યજીત પાટણકર (ભાજપમાં પ્રવેશ)
ભરત ગોગાવાલે વિ સ્નેહલ જગતાપ (એનસીપીમાં પ્રવેશ)
દાદા ભુસે વિ અદ્વૈય હિરે (ભાજપમાં પ્રવેશ)
કિશોર અપ્પા પાટીલ વિ વૈશાલી સૂર્યવશી (ભાજપમાં પ્રવેશ)
સુહાસ બાબર વિ વૈભવ પાટીલ (ભાજપમાં પ્રવેશ)
મહેન્દ્ર દળવી વિ સુધાકર ખરે (એનસીપીમાં પ્રવેશ)
શિવસેના શિંદે જૂથના પ્રધાનોની નારાજીના કારણો
ભાજપ દ્વારા શિવસેનાના નેતાઓ, મ્યુનિસિપલ નગરસેવકો-કાર્યકરો અને પદાધિકારીઓને પોતાની પાર્ટીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.
ભાજપ એવા વિપક્ષી નેતાઓને સામેલ કરી રહી છે જેમણે શિંદે સેનાના પ્રધાનો-વિધાનસભ્યો સામે ચૂંટણી લડી હતી.
શિંદેના ઘણા નેતાઓ, ભલે તે પાલક પ્રધાન હોય કે ન હોય, તેમને વિશ્ર્વાસમાં લીધા વિના ઘણા નિર્ણયો લેવામાં આવે છે અને ભંડોળ વાળવામાં આવે છે.
આગામી ચૂંટણીઓમાં ગઠબંધનનો ધર્મ પાળવામાં આવી રહ્યો નથી.
શિંદેના પ્રધાનોને ભંડોળ મેળવવા માટે સખત મહેનત કરવી પડી રહી છે.
ભાજપે સંભાજી નગર, કલ્યાણ-ડોમ્બિવલી, અંબરનાથ, કોંકણમાં પ્રવેશ કર્યો છે અને ક્યારેય ગઠબંધનના ધર્મનું પાલન ન કર્યું?
મુખ્ય પ્રધાન સાથેની બેઠકમાં શું થયું?
- કેબિનેટ પૂર્વેની બેઠકમાં એકનાથ શિંદે હાજર હતા, પરંતુ કેબિનેટ બેઠકમાં હાજર ન રહેલા પ્રધાનો મુખ્ય પ્રધાનને મળવા માટે પહોંચ્યા હતા.
- નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સામે કેબિનેટની બેઠકમાં ગેરહાજર રહેલા કેબિનેટ પ્રધાનોને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઠપકો આપ્યો
- સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ એકનાથ શિંદેની હાજરીમાં જ ફડણવીસે શિંદેના પ્રધાનોની ઝાટકણી કાઢી હતી.
- ફડણવીસે શિંદેની સામે તેમને ઠપકો આપીને કેબિનેટ પ્રધાનો માટે મૂંઝવણ ઉભી કરી હતી.
- સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુખ્ય પ્રધાને કયા જિલ્લામાં શિંદે સેના દ્વારા ભાજપના કેટલા નેતાઓને પ્રવેશ આપ્યો તેની યાદી વાંચી સંભળાવી.
બહિષ્કાર અંગે ઉદય સામંતે શું કહ્યું?
શિવસેનાના મંત્રીઓની નારાજગી પર રાજ્યના પ્રધાન ઉદય સામંતે કહ્યું હતું કે, અમે ફક્ત એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન તરીકે શું જોઈએ છે તેની જ વાત કરીશું. તેથી, શિવસેનાના પ્રધાનો મુખ્ય પ્રધાનને મળવા ગયા હતા. બાકીના પ્રધાનો ફક્ત સંયોગથી જ બેઠકમાંથી ગેરહાજર રહ્યા હતા. ભવિષ્યમાં આવા સંયોગો ઘણી વખત આવશે. આજની બેઠક ખેલદિલ વાતાવરણમાં યોજાઈ હતી. હું આરોગ્યની તપાસ માટે ગયો હતો.
તેથી, હું બેઠકમાં હાજર નહોતો. જોકે, અમારા ટોચના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બેઠકમાં હાજર હતા. અમે મુખ્ય પ્રધાનને અમારા મનમાં શું હતું તે જણાવ્યું છે. અમે ક્યાંય કેબિનેટની બેઠકનો બહિષ્કાર કર્યો નથી. અમારા ટોચના નેતાઓ બેઠકમાં હાજર હતા. તેથી, કોઈ તેને બહિષ્કાર કહી શકે નહીં. હું મંત્રાલયમાં નહોતો. હું તબીબી તપાસ માટે ગયો હતો. તેથી, હું બેઠકમાં હાજર રહી શક્યો ન હતો.
બાવનકુળેએ નારાજીના દાવાઓને ફગાવી દીધા
રાજ્યમાં ચૂંટણીનું વાતાવરણ છે અને પ્રધાનો પોતપોતાના જિલ્લાના પાલક પ્રધાનો પણ છે એટલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કેટલાક પ્રધાનો પણ તેમના જિલ્લાઓમાં છે. તેથી, કેબિનેટ બેઠકમાં પ્રધાનોની સંખ્યા ઓછી હતી.
મુખ્ય પ્રધાનની સાથે, બંને નાયબ મુખ્ય પ્રધાનો (એકનાથ શિંદે અને અજિત પવાર) બેઠકમાં હાજર હતા. હાલમાં પણ, તેમની અલગ અલગ બેઠકો ચાલી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિતિની બેઠક તાજેતરમાં યોજાઈ હતી. હવે વન વિભાગની બેઠક ચાલી રહી છે. જોકે, મીડિયા જે સમાચાર બતાવી રહ્યું છે તેના જેવું કંઈ નથી.
આ દરમિયાન, બાવનકુળેને પૂછવામાં આવ્યું કે શું કલ્યાણ-ડોંબિવલીમાં ભાજપ દ્વારા શિવસેનાના ઘણા પદાધિકારીઓને પોતાની પાર્ટીમાં સામેલ કરવાથી શિવસેનામાં કોઈ નારાજગી છે? આના પર બાવનકુળેએ કહ્યું, આવો કોઈ મુદ્દો નથી. તમારા મીડિયાની આગાહી ખોટી છે. મહાયુતિમાં ક્યાંય કોઈ નારાજગી નથી. અમે બધા સાથે છીએ.



