એકનાથ શિંદેએ સલમાન ખાનને આપી સુરક્ષાની ખાતરી
ગોળીબારને પગલે રાજકીય વાતાવરણ તંગ: વિપક્ષીઓ દ્વારા સરકારની ટીકા
![Eknath Shinde assured security to Salman Khan Political atmosphere tense following firing: Opposition criticizes government](/wp-content/uploads/2024/04/salman-khan-and-eknath-shinde-142910511-16x9_0.webp)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે એ બધાની વચ્ચે જાણીતા અભિનેતા સલમાન ખાનના બાંદ્રા ખાતેના નિવાસસ્થાનની બહાર બિશ્ર્નોઈ ગેંગ દ્વારા કરવામાં આવેલા ગોળીબારને કારણે રાજકીય વાતાવરણ તંગ થયું છે. વિરોધીઓ દ્વારા સરકારની ટીકા કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને સલમાનની સુરક્ષાની ગેરેન્ટી આપી છે.
રવિવારે વહેલી સવારે ફિલ્મ અભિનેતા સલમાન ખાનના બાંદ્રામાં આવેલા ગેલેક્સી ઈમારતના નિવાસસ્થાનની બહાર બાઈક પર આવેલા અજ્ઞાત લોકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબાર બાદ રાજ્યના રાજકારણમાં તંગદિલી ફેલાઈ હતી. વિપક્ષ દ્વારા સરકાર પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતાં નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યના ગૃહ ખાતાના પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ પ્રકરણ પરથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે એવું તારણ કાઢવું અયોગ્ય છે. બનાવની તપાસ થઈ રહી છે અને માહિતી મળ્યા બાદ વિગતો આપવામાં આવશે.
નાગપુરમાં દિક્ષાભૂમિ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરને અંજલી આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે સલમાન ખાનના ઘર પર કરવામાં આવેલા હુમલાની તપાસ પોલીસ કરી રહી છે. આ પ્રકરણેે વિપક્ષો દ્વારા જે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી હોવાની બૂમરાણ કરવામાં આવી રહી છે તે યોગ્ય નથી.
બીજી તરફ સલમાન ખાનના નિવાસ સ્થાન પર થેયલા હુમલા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમની સાથે ફોન પર વાત કરી હતી અને તેને સુરક્ષાની ખાતરી આપી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સલમાન ખાન સાથે ફોન પર વાત કરી હતી અને સુરક્ષા સંબંધે તેને ખાતરી આપી હતી. મુંબઈ પોલીસ સાથે ચર્ચા કરીને સલમાનના ઘરની બહાર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું હતું કે કાયદાને હાથમાં લેનારા લોકોને માફ કરવામાં આવશે નહીં. સલમાન ખાન અને તેમના આખા પરિવારની સુરક્ષાનું આકલન કરવા અને આવશ્યક હોય તો સુરક્ષામાં વધારો કરવાનો આદેશ કમિશનરને આપવામાં આવ્યો છે. સલમાન ખાન સાથે વાત કરી છે કે સરકાર તેમની સાથે છે અને તેમને ચિંતા કરવાની આવશ્યકતા નથી.
શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉતે રાજ્યના ગૃહ પ્રધાન ક્યાં છે એવો સવાલ ઉપસ્થિત કર્યો હતો અને પછી એવો કટાક્ષ કર્યો હતો કે તેઓ 24 કલાક ઈલેક્શન મોડમાં જ જોવા મળે છે. ક્યારેક દિલ્હીમાં ચૂંટણી ઝુંબેશની બેઠકમાં તો ક્યારેક હરીફોને ખતમ કરવાનું કાવતરું ઘડવા બેઠેલા જોવા મળે છે. ભાજપમાંથી કાયદો અને વ્યવસ્થા પર કોણ ધ્યાન આપશે? એવો સવાલ કરતાં તેમણે ઉમેર્યું હતું કે મુંભઈ પોલીસ તો રાજકારણ કરી રહી નથી ને? સલમાન ખાનના ઘરની બહાર ગોળીઓ ચાલી છે તેના પરથી સંકેત આપવામાં આવ્યો છે કે મુંબઈ શહેરમાં ગમે ત્યારે ગમે ત્યાં ગોળીઓ ચાલી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે સલમાન ખાન પર ગોળીબાર પછી શિવસેના શિંદે જૂથના નેતા રાહુલ કનાલ અને બાબા સિદ્દીકી તેમને મળવા માટે ઘરે પહોંચ્યા હતા. સલમાન ખાન સુરક્ષિત હોવાનું નિવેદન તેમણે કર્યું હતું.
બીજી તરફ સલમાન ખાનના પિતા સલીમ ખાને કહ્યું હતું કે પરિવારને કોઈ ડર નથી. આ કામ કરનારાએ ફક્ત પબ્લિસીટી માટે કામ કર્યું છે. (એજન્સી)