મારા રાજકીય કાર્યો ઘણીવાર કેટલાક લોકોને મુશ્કેલીમાં મૂકે છે પણ મને કોઈ ફરક પડતો નથી: શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે કહ્યું હતું કે તેમના રાજકીય કાર્યો ઘણીવાર કેટલાક લોકોને મુશ્કેલીમાં મૂકે છે, પરંતુ તેઓ શું વિચારે છે તેની પરવા કરતા નથી અને ફક્ત પોતાનું કામ કરવાનું ચાલુ રાખે છે.
થાણેમાં એક કાર્યક્રમમાં બોલતા, શિવસેનાના વડાએ છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં થયેલા રાજકીય ફેરફારોનો ઉલ્લેખ કર્યો હતો અને નોંધ્યું હતું કે મહારાષ્ટ્રમાં 2022માં સત્તા પરિવર્તન એક જોખમ હતું જે ફક્ત એક હિંમતવાન વ્યક્તિ જ કરી શકે તેમ હતું.
આપણ વાંચો: દિલ્હીથી પાછા ફર્યા બાદ એકનાથ શિંદે ‘એક્શન મોડ’માં: પ્રધાનોને આપી ચેતવણી કામ કરો નહીં તો ઘરે બેસો
જૂન 2022માં, શિંદેએ સંયુક્ત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ સામે બળવો કર્યો હતો, જેઓ તે સમયે મુખ્ય પ્રધાન પણ હતા. શિંદે અને લગભગ 40 અન્ય શિવસેના વિધાનસભ્યોના બળવાને કારણે ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર પડી ભાંગી હતી. શિંદેએ બાદમાં ઠાકરેની જગ્યાએ મુખ્ય પ્રધાન બન્યા હતા અને નવેમ્બર 2024 સુધી આ પદ પર રહ્યા.
ત્રણ અઠવાડિયામાં બીજી વખત નવી દિલ્હીની તેમની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કરતા, શિંદેએ એવો મત વ્યક્ત કર્યો હતો કે તેમના રાજકીય કાર્યો મહારાષ્ટ્રમાં કેટલાક લોકોના દિલ-દિમાગમાં ખળભળાટ મચાવે છે, પરંતુ તેમને આની કોઈ પરવા નથી.
‘કેટલાક લોકોને ‘ત્રાસ’ (મુશ્કેલી) હતી, પરંતુ હું તેની ચિંતા કરતો નથી અને મારું કાર્ય ચાલુ રાખું છું,’ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. શિંદે તેમના રાજકીય ક્ષેત્ર થાણેમાં એક મરાઠી અખબારના સુવર્ણ જયંતિ સમારંભમાં બોલી રહ્યા હતા.
આ પ્રસંગે તેમણે એવી જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર મેન્ગ્રોવ્સના રક્ષણ અને જાળવણી માટે નવી નીતિ બનાવવાની પ્રક્રિયામાં છે.