નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અચાનક દિલ્હીમાં મોદી સાથે મુલાકાત તેમણે કહ્યું, ‘આ મુલાકાત દિવાળીની શુભેચ્છા આપવા માટે હતી’ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અચાનક દિલ્હીમાં મોદી સાથે મુલાકાત તેમણે કહ્યું, ‘આ મુલાકાત દિવાળીની શુભેચ્છા આપવા માટે હતી’

વડા પ્રધાનના કાર્ય પર આખા દેશને ગર્વ: શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)


મુંબઈ:
મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે અને બધા જ રાજકીય પક્ષો અને ગઠબંધનો આગામી વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત છે ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે અચાનક દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઈને બધાને ચોંકાવી દીધા છે. સત્તાવાર રીતે આ મુલાકાતનું કારણ આપવામાં આવ્યું ન હોવા છતાં એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી પાલિકા ચૂંટણીઓમાં યોગ્ય પ્રમાણમાં બેઠકો મળે તે માટે આ બેઠક હતી.

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મોદીને કેમ મળ્યા? આ બેઠકમાં શું ચર્ચા થઈ? આ બધા સવાલોનો તેમણે દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા જવાબ આપ્યા હતા. શિંદેએ એમ કહ્યું હતું કે આ એક શુભેચ્છા મુલાકાત હતી અને તેમણે આ બેઠકમાં મોદીને દિવાળીની શુભેચ્છા આપી હતી.

જ્યારે મીડિયા પ્રતિનિધિઓએ એકનાથ શિંદેને આ મુલાકાત વિશે પૂછ્યું, ત્યારે શિંદેએ કહ્યું, ‘આ મુલાકાત અચાનક નહોતી. હું તેમને દિવાળીની શુભેચ્છા પાઠવવા મળ્યો હતો. બિહાર ચૂંટણીને કારણે તેઓ વ્યસ્ત હતા. મેં તેમને દિવાળીની શુભેચ્છા આપી હતી અને આ મુલાકાત એક શુભેચ્છા મુલાકાત હતી. તેમણે કહ્યું હતું કે મોદીના કાર્ય પર આખા દેશને ગર્વ છે.’
‘જો હું દિલ્હી આવું તો ચર્ચા થાય છે અને જો હું ખેતરોમાં જાઉં તો પણ ચર્ચા થાય છે. જે લોકો ચર્ચા કરે છે તેમની ચર્ચા ચાલુ રહે છે, પરંતુ હું મારું કામ કરી રહ્યો છું. વડા પ્રધાન મોદી દેશ માટે જે કાર્ય કરે છે તેના પર અમને બધાને ગર્વ છે,’ એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.

આ પણ વાંચો: થાણેમાં એલિવેટેડ અને ભૂગર્ભ રોડ નેટવર્ક, ગ્રીન થાણેની સફર: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

આ બેઠકમાં ક્યા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી એવા સવાલોના જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે ‘અમે જ્યારે પણ મળીએ છીએ ત્યારે ફક્ત વિકાસની વાતો કરીએ છીએ, પછી તે મહારાષ્ટ્રનો વિકાસ હોય કે પછી દેશનો વિકાસ હોય. અમે જ્યારે મળીએ ત્યારે વિકાસ એક જ વસ્તુ એવી હોય છે જેની ચર્ચા કાયમ થાય છે.

આ ઉપરાંત અમે એનડીએના ઘટક પક્ષ છીએ એટલે શિવસેનાને કાયમ મોદી સાહેબ અમારા માટે આદરનું સ્થાન ધરાવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે

જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે મુંબઈ મનપાની ચૂંટણીમાં ભાજપ મનમાની કરીને વધુ બેઠકો પડાવી ન લે તે માટે આ મુલાકાત થઈ હતી.

આધારભૂત સાધનોની વાત માનવામાં આવે તો રાજ્યમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ દ્વારા બેઠકોની વહેંચણીમાં એકનાથ શિંદેને ટેકન ફોર ગ્રાન્ટેડ કરીને નામમાત્ર જગ્યાઓ આપવામાં આવશે એવી સંભાવનાઓ વચ્ચે આ બેઠકમાં શિંદેએ પોતાના માસ્ટર કાર્ડની મુલાકાત લઈને પોતાનો કક્કો સાચો કરવાનો પ્રયાસ આદર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: વિપક્ષી લવિંગિયા અને સુરસરિયાંને મહાયુતિનો એટમ બોમ્બ ઉડાવી દેશે: એકનાથ શિંદે

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ, થાણે, નવી મુંબઈ જેવી એમએમઆરની બધી જ મનપામાં શિંદે સેનાના નેતાઓ સ્વબળે ચૂંટણીઓ લડીને પોતાનો મેયર બેસાડવા માગે છે, જ્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજ્યની મહત્ત્વની મનપામાં પોતાના મેયર બેસાડવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે આ મુલાકાત અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે.
શિંદેની વડા પ્રધાન સાથેની મુલાકાત એવા સમયે પણ થઈ છે જ્યારે શિવસેનાના એક નેતાએ પુણેમાં જમીન સોદાના સંદર્ભમાં ભાજપના લોકસભા સભ્ય અને કેન્દ્રીય પ્રધાન મુરલીધર મોહોળ પર બંદૂક તાકી છે. મોહોળે તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે.

શિંદેએ મહારાષ્ટ્રની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે, શિવસેના મુંબઈ, નાશિક, પુણે, પાલઘર, કલ્યાણ, ડોમ્બિવલી અને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભાજપના સમાન ભાગીદાર તરીકે સ્થાનિક ચૂંટણીઓ લડવા માટે ઉત્સુક છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button