Maharashtra Assembly Election: પ્રધાન તાનાજી સાવંતના ભત્રીજા અનિલ સાવંત મળ્યા શરદ પવારને

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ પક્ષપલટાની મોસમ પણ શરૂ થઇ ગઇ છે અને હજી તો ભવિષ્યમાં બેઠકોની વહેંચણીથી નારાજ અથવા તો ઉમેદવારી ન મળવાના કારણે નારાજ પદાધિકારીઓ-નેતાઓ વિરોધી પક્ષમાં સામેલ થાય તેવી ઘણી ઘટના બનશે. જોકે હાલ તો એકનાથ શિંદે જૂથની શિવસેનાના પ્રધાનના ભત્રીજા શરદ પવાર જૂથમાં જોડાવાની તૈયારી કરતા હોવાની ચર્ચા જોરશોરથી થઇ રહી છે.
શિંદે જૂથના પ્રધાન તાનાજી સાવંતના ભત્રીજા તેમ જ ભૈરવનાથ સાકર કારખાનાના ઉપાધ્યક્ષ અનિલ સાવંતે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ(શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારની મુલાકાત લેતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં તે શરદ પવારના જૂથ વતી ઉમેદવારી મેળવવા ઇચ્છુક હોવાની ચર્ચા થઇ રહી છે.
અનિલ સાવંત પંઢરપુર વિધાનસભાથી ચૂંટણી લડવા ઇચ્છુક હોવાનું મનાય છે અને આ માટે તે શરદ પવાર સાથે ચર્ચા કરવા માટે પુણેના મોદી બાગમાં શરદ પવારને મળ્યા હતા, તેવા અહેવાલ છે. બંને વચ્ચે લગભગ એક કલાક સુધી ચર્ચા થઇ હતી.
ચર્ચા દરમિયાન સ્થાનિક વાતાવરણ પોતે શરદ પવાર જૂથના તૂતારી ચૂંટણી ચિહ્ન વતી લડે તો જીત માટે અનુકૂળ હોવાનું અનિલ સાવંતે શરદ પવારને જણાવ્યું હોવાનું કહેવાય છે. પંઢરપુરમાં અનિલ સાવંત અને પ્રશાંત પરિચારક વચ્ચે સ્પર્ધા છે અને તેમાં પણ સાકર સમ્રાટ તરીકે જાણીતા અભિજીત પાટીલ પણ ચૂંટણીના મેદાનમાં આવે તેવી શક્યતા હોઇ સમીકરણો ક્યારેય પણ બદલાઇ શકે તેમ છે.
અનિલ સાવંતે અત્યારથી જ પોતાનો પ્રચાર કરવાનું તેમ જ સ્થાનિકોને મળીને તેમની સાથે મુલાકાત યોજવાનું શરૂ કરી દીધું છે. આમ કરીને તેઓ લોકોના મનમાં શું છે તે જાણીને તૂતારી ચૂંટણી ચિહ્ન એટલે કે શરદ પવાર જૂથ વતી ચૂંટણી લડે તે નક્કી કરશે તેમ કહેવાય છે. તેમના અમુક કાર્યકર્તાઓએ તો શરદ પવાર જૂથનો પ્રચાર સોશિયલ મીડિયા પર શરૂ કરી દીધો હોવાનું પણ કહેવાય છે.