વિપક્ષી લવિંગિયા અને સુરસરિયાંને મહાયુતિનો એટમ બોમ્બ ઉડાવી દેશે: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિપક્ષ હવે ગમે તેટલા લવિંગિયા અને સુરસુરિયાં ફોડે, અમે તેના પર ધ્યાન આપતા પણ નથી. કારણ કે અમારી મહાયુતિ પાસે એટમ બોમ્બ છે અને જો તે ફૂટશે તો વિપક્ષનું રાજકીય અસ્તિત્વ ફૂંકાઈ જશે, એમ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થાણેમાં જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના લોકો મહાયુતિ સાથે મજબૂતીથી ઉભા છે, જેના કારણે અમે આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવીશું.
થાણેના રાહેજા ગાર્ડનમાં આયોજિત ‘દિવાળી પહાટ’ કાર્યક્રમ બાદ શિંદેએ પત્રકારો સાથે વાત કરી હતી. વિપક્ષ દરરોજ આરોપોના નવા નવા ફટાકડા ફોડે છે, પરંતુ તેમના ખાલી લવિંગિયાની કોઈ અસર થશે નહીં.
અમે અમારા કામના એટમ બોમ્બથી મહારાષ્ટ્રને પ્રકાશિત કરીશું અને વિપક્ષની ધૂળ ઉડાવીશું, એમ શિંદેએ કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે અમારું ધ્યાન અત્યારે વિકાસ પર છે અને વિપક્ષનું કામ ફક્ત આરોપો અને ટીકા કરવાનું છે.
થાણેના યુવાનો જે ઉત્સાહ અને આનંદ જુએ છે. મહારાષ્ટ્રનું ભવિષ્ય એ જ છે. આ પરંપરા આનંદ દિઘેએ સ્થાપી હતી અને અમે તેને આગળ લઈ જઈ રહ્યા છીએ, એમ શિંદેએ કહ્યું હતું. ગોપાલકાલા, ગણેશોત્સવ, નવરાત્રી, દશેરા, દિવાળી, થાણેનો દરેક તહેવાર શક્તિ પ્રદર્શન છે. થાણેકર મારો પરિવાર છે.
તેમણે કહ્યું કે હું તેમના આશીર્વાદથી મુખ્ય પ્રધાન બન્યો હતો. આજે મને આનંદ દિઘે અને બાળાસાહેબ ઠાકરે યાદ આવી રહ્યા છે. બાળાસાહેબ થાણેને પ્રેમ કરતા હતા, દિઘે સાહેબે થાણેમાં પાર્ટીનો વિકાસ કર્યો. એટલા માટે થાણેને તહેવારોની પંઢરી કહેવામાં આવે છે, એમ તેમણે કહ્યું.
ખેડૂતોના દુ:ખને સમજવું એ આપણી સંસ્કૃતિ છે
જ્યારે ખેડૂતો સંકટમાં હોય છે, ત્યારે શિવસેના અને મહાયુતિ સરકાર તેમની સાથે ઉભી રહે છે. અમે અમારું વચન પાળ્યું છે. સહાયના પૈસા સીધા ખેડૂતોના ખાતામાં પહોંચે છે. વાહનવ્યવહાર ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે ધારાશિવ જિલ્લામાં આ પૂરમાં જેમની ગાયો તણાઈ ગઈ હતી તેમને 101 દૂધાળી ગાયો આપવાનો નિર્ણય લીધો છે. કારણ કે ખેડૂતોના દુ:ખને સમજવું એ આપણી સંસ્કૃતિ છે, એમ શિંદેએ કહ્યું હતું.
મોદી-શાહના કારણે મદદ
પૂરની પરિસ્થિતિ દરમિયાન કેન્દ્રએ ઘણી મદદ કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તક્ષેપને કારણે આ શક્ય બન્યું. આપણે ફરીથી વિધાનસભા ચૂંટણી બહુમતીથી જીતીશું. રાજ્યના ખેડૂતો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો બધાને મહાયુતિમાં વિશ્ર્વાસ છે. આપણે કામ કરીએ છીએ અને લોકો મતપેટી દ્વારા તેનો જવાબ આપે છે, એમ શિંદેએ જણાવ્યું હતું.
આપણ વાંચો: એકનાથ શિંદેના X એકાઉન્ટ પરથી પાકિસ્તાનના ઝંડા વાળી પોસ્ટ! હેકર્સે કેમ કરી આવી હરકત?
વિપક્ષને હાર દેખાવા લાગી છે
વિપક્ષને હવે હાર દેખાવા લાગી છે, તેથી તેઓ ચૂંટણી પંચ, ઈવીએમ, મહાયુતિ અને આપણા પર દોષારોપણ કરે છે. સુપ્રીમ કોર્ટમાં અરજી હોવાથી ચૂંટણી થઈ શકી નથી. તેના માટે આપણે જવાબદાર નથી, એમ પણ શિંદેએ સ્પષ્ટ કર્યું હતું.
તો એટમ બોમ્બ ફૂટશે
વિપક્ષ ચૂંટણી ન કરાવવા વિનંતી કરી રહ્યો છે. કારણ કે તેઓ જાણે છે. તેમણે એવી પણ ટીકા કરી હતી કે જો ચૂંટણી યોજાશે તો મહાયુતિનો અણુ બોમ્બ સીધો તેમની ખુરશી નીચે ફૂટશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષની બેવડી ભૂમિકા
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે વિપક્ષની ‘બેવડી ભૂમિકા’ માટે ટીકા કરી હતી, અને કહ્યું હતું કે શરૂઆતમાં તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પ્રાથમિકતાને ધોરણ યોજવાની માગણી કરી હતી, પરંતુ હવે કથિત વિસંગતીઓનું કારણ આપીને તેને મુલતવી રાખવાની માગણી કરી રહી છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, વિપક્ષને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ‘હાર’નો ડર છે, તેમણે ઉમેર્યું હતું કે ભાજપ, શિવસેના અને અજિત પવારની એનસીપીનો સમાવેશ કરતી શાસક મહાયુતિ ચૂંટણીમાં સ્પષ્ટ વિજય મેળવશે.
તેમણે અધિકારીઓને એવી વિનંતી કરી હતી કે તેઓ 31 જાન્યુઆરી, 2026 સુધીમાં પૂર્ણ થનારી ગ્રામીણ અને નાગરી સંસ્થાઓની ચૂંટણીઓ યોજતા પહેલા મતદાર યાદીઓમાં ‘સુધારણા’ કરે અને ‘વિસંગતીઓ’ દૂર કરે.
‘વિપક્ષ પોતે પ્રાથમિકતા પર ચૂંટણીઓ યોજવાનો આગ્રહ રાખી રહ્યો હતો, અને જ્યારે તે યોજાવાની છે, ત્યારે વિપક્ષ ઇચ્છે છે કે તે મુલતવી રાખવામાં આવે,’ એમ તેમણે કહ્યું હતું.
તેમણે શાસક મહાયુતિની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ભૂતકાળની સફળતાનું પુનરાવર્તન કરવાની ક્ષમતામાં વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.
‘જ્યાં સુધી નાગરિકો મહાયુતિ સાથે રહેશે, ત્યાં સુધી કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં,’ એમ પણ તેમણે જણાવ્યું હતું.