મહારાષ્ટ્રને નવી દિશા આપવાના નિર્ધારનું બજેટ: એકનાથ શિંદે

મુંબઈ: રાજ્યનું બજેટ ખરેખર મહિલાઓ, યુવાનો, ખેડૂતોનું સન્માન અને સશક્તિકરણ કરવાના નિર્ધારનું બજેટ છે. 1 લાખ કરોડની યોજનાઓ સાથેનું આ ક્રાંતિકારી બજેટ નબળા, ગરીબો, ખેડૂતો અને યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે બજેટ મહારાષ્ટ્રને નવી દિશા આપવાનો સંકલ્પ ધરાવે છે.
નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે શુક્રવારે વિધાનસભામાં 2024-25 માટેનું એડિશનલ બજેટ રજૂ કર્યું હતું.
શિંદેએ કહ્યું હતું કે રાજ્યની મહિલાઓ, બેરોજગાર યુવાનોને પોતાના પગ પર ઊભા રહે તે માટે આ બજેટમાં મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી મારી લડકી બહેન યોજના, ક્ધયાઓ માટે મફત વ્યાવસાયિક શિક્ષણ, મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના હેઠળ પાત્ર પરિવારોને દર વર્ષે 3 સિલિન્ડર મફત આપવા, ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવા માટે રૂ. 15,000 કરોડનો સોલાર વીજ પ્રોજેક્ટ, મુખ્યમંત્રી બલિરાજા પાવર સબસિડી યોજના હેઠળ ખેડૂતોને ફાર્મ પંપનો ઉપયોગ પર સંપૂર્ણ વીજ દર માફી, સિંચાઈ યોજનાઓ પૂર્ણ કરવા માટે વિશેષ ઝુંબેશ, દર વર્ષે 50 હજાર યુવાનોને નોકરીની તાલીમ, નબળા વર્ગની ગરીબી દૂર કરવાનો સંકલ્પ, ખાસ કરીને રાજ્ય સરકારે મહિલાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : વિદાય આપી શકીએ તે માટે ગૃહમાં તો આવવું જોઈએ ને: એકનાથ શિંદેનો ઉદ્ધવને ટોણો
રાજ્ય સરકાર ખેડૂતોની પાછળ પૂરેપૂરી તાકાતથી ઊભી છે તે પણ આ બજેટ દર્શાવે છે તેમ જણાવી શિંદેએ કહ્યું હતું કે, ‘ગાંવ ત્યાં ગોડાઉન’ની નવી યોજનાથી અનાજ સંગ્રહની સમસ્યા હલ થશે. કપાસ અને સોયાબીનના ખેડૂતોને રૂ. 5,000ની આર્થિક સહાય, સિંચાઈ યોજનાઓ પૂર્ણ કરવા માટે વિશેષ ઝુંબેશ, માગે તેને સોલાર પાવર પંપ યોજનાઓ પણ ખેડૂતોના જીવનમાં ધરખમ પરિવર્તન લાવશે, એમ શિંદેએ કહ્યું હતું.
પ્રાયોરિટી સેક્ટર અને ગ્રીન હાઇડ્રોજન સેક્ટરમાં જંગી મૂડીરોકાણ થશે તેમ જણાવતાં શિંદેએ જણાવ્યું હતું કે રોકાણની સાથે સાથે મોટા પાયે રોજગારી પણ ઉપલબ્ધ થશે. ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં ‘સેન્ટર્સ ઓફ એક્સેલન્સ’ની સ્થાપના કરવામાં આવશે, તેનાથી યુવાનોને પણ ફાયદો થશે.
મુંબઈ, પુણે અને નાગપુર શહેરોમાં કુલ 449 કિલોમીટર લંબાઈની મેટ્રો લાઈનો બનાવવાની મંજૂરી, મુખ્યમંત્રી ગ્રામસડક યોજના હેઠળ 23 હજાર કિલોમીટરના રસ્તાના કામો, નગરપાલિકા શ્રેત્રોમાં પીએમ ઈ-બસ સેવા યોજનાનો અમલ, બાળાસાહેબ ઠાકરે હેઠળ ગ્રામ પંચાયત કચેરીઓનું બાંધકામ. સ્મૃતિ માતોશ્રી ગ્રામ પંચાયત યોજના અને અન્ય મુખ્ય માળખાકીય કામો મોટા પાયે હાથ ધરવાથી રાજ્યનો ઝડપથી વિકાસ થશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.