ઉનાળાની ગરમીમાં મતદારો મત આપવા નથી નીકળતા?
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વ્યક્ત કરી ચિંતા

મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે બે તબક્કાનું મતદાન થઇ ગયું છે અને બંને તબક્કાના મતદાન દરમિયાન મતદારોની ટકાવારી જોઇએ તેટલી ન હોવાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું માનવું છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ છે અને તેના કારણે મતદારો ઓછી સંખ્યામાં મતદાનની ફરજ બજાવવા ઘરની બહાર પડતા હોવાનું પણ કહેવામાં આવે છે.
જોકે, આગામી તબક્કાના મતદાન દરમિયાન આમ ન થાય એ માટે પ્રયત્ન કરવાની અપીલ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહાયુતિના કાર્યકરોને કરી છે. બાકીના ત્રણ તબક્કાના મતદાન દરમિયાન મતદાન કરવા આવનારા મતદારોની ટકાવારી વધે એ માટે પ્રયત્ન કરવાનું આહ્વાન શિંદે દ્વારા મહાયુતિના કાર્યકરોને કરવામાં આવ્યું છે.
થાણેમાં પોતાના જૂથના ઉમેદવાર નરેશ મ્હસ્કે માટે પ્રચાર કરતા દરમિયાન તેમણે આ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ચૂંટણી અત્યંત ગરમીમાં યોજાઇ રહી છે અને તેની અસર આપણને મતદાનની ટકાવારી ઉપર સ્પષ્ટ જોવા મળી રહી છે. આપણે મોટા માર્જિનથી જીતીશું તેમાં બેમત નથી, પરંતુ મતદાનની ટકાવારી વધે એ માટે પ્રયત્ન કરવાની જરૂર છે. બૂથ વર્કર અને ઇન-બ્લોક કાર્યકરોએ મતદાનના શરૂઆતના કલાકોમાં વધુમાં વધુ લોકો મતદાન કરવા આગળ આવે એ માટે પ્રયાસ કરવાનું શિંદેએ જણાવ્યું હતું.