અમને શક્તિ આપો અને લાડકી બહેનમાં મળતી સહાયમાં વૃધ્ધિ જુઓ: એકનાથ શિંદે
રાજ્યની એક કરોડ મહિલાઓને નાણાં આપવામાં આવ્યા હોવાનો દાવો
![Maharashtra is an industry-friendly state; Infrastructure, number one in foreign investment: Chief Minister Eknath Shinde](/wp-content/uploads/2024/08/CM-Shinde-780x470.jpg)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતું કે લાડકી બહેન યોજના હેઠળ આપવામાં આવતી આર્થિક સહાયમાં વધારો થઈ શકે છે, પરંતુ તેને માટે અમારી લાડકી બહેનોએ અમને શક્તિ આપવાની રહેશે.
તેમણે એવો દાવો પણ કર્યો હતો કે અત્યાર સુધીમાં રાજ્યની એક કરોડથી વધુ મહિલાઓને પહેલા બે મહિનાના હપ્તા પેટે રૂ. 3000 ચૂકવી દેવામાં આવ્યા છે.
આ યોજના હેઠળ વાર્ષિક રૂ. 2.5 લાખથી ઓછી પારિવારિક આવક ધરાવતી મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા માસિક રૂ. 1,500 આપવામાં આવે છે. મારી સરકાર આ રકમ બંધ કરશે નહીં, જો તમે મને શક્તિ આપશો તો આ નાણાંમાં વધારો થઈ શકે છે, એમ એકનાથ શિંદેએ સાતારામાં યોજનાના અનાવરણ પ્રસંગે કહ્યું હતું.
તેમના નિવેદનમાં શક્તિ આપવાનો સંદર્ભ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં થનારી આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ટેકો આપવા સાથે સંકળાયેલો છે.
આ પણ વાંચો : Ladki Bahen Yojna: 1 કરોડ રાખડીઓ મોકલાવાશે ‘લાડકા ભાઇ’ એકનાથ શિંદેને!
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવી માહિતી આપી હતી કે રાજ્યની એક કરોડથી વધુ મહિલાઓને અત્યાર સુધીમાં રૂ. 3,000 કરોડથી વધુની રકમનું વિતરણ કરી દેવામાં આવ્યું છે અને આ યોજના માટે સરકારે રૂ. 35,000 કરોડનું બજેટ ફાળવ્યું છે.
મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના અને મહિલાઓને ત્રણ ગેસ સિલિન્ડર મફતમાં આપવાનો નિર્ણય મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી લેવામાં આવ્યો છે અને તે કોઈ ચૂંટણી માટેનો ખેલ નથી. જોકે તમારા પાપી સાવકા ભાઈઓ આ યોજનાઓને બદનામ કરી રહ્યા છે, એમ તેમણે વિપક્ષની ટીકા કરતાં કહ્યું હતું.
જે લોકો ચાંદીના ચમચા સાથે જન્મ્યા છે તે લોકોને રૂ. 1,500નું મહત્ત્વ અને મુલ્ય સમજાશે નહીં, એમ પણ તેમણે ઉદ્ધવ ઠાકરે અને સુપ્રિયા સુળે પર કટાક્ષ કરતાં કહ્યું હતું