થાણે જિલ્લામાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કાલુ ડેમનું કામ ઝડપી બનાવો
એકનાથ શિંદેની રાજ્યના અધિકારીઓને તાકીદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે, કલ્યાણ-ડોંબિવલી, ઉલ્હાસનગર, અંબરનાથ, બદલાપુર, ભિવંડી અને ભિવંડીના ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કાલુ ડેમ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમાં પૂર્ણ થવો જોઈએ, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જળ સંસાધન મંત્રાલયના અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો.

આ બેઠકમાં જળ સંસાધન મંત્રી ગિરીશ મહાજન, વિવિધ વિભાગોના અધિકારીઓ, થાણે અને પાલઘરના જિલ્લા કલેક્ટરો અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. શિંદેએ જણાવ્યું હતું કે બંધ બાંધકામનું કામ સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ર્ચિત કરવા માટે, સંબંધિત વહીવટી તંત્રે જમીન સંપાદન અને પુનર્વસન કાર્ય ઝડપી બનાવવા માટે સંકલનમાં કામ કરવું જોઈએ.
મુંબઈ મેટ્રોપોલિટન રિજનના શહેરોના પાણીના પ્રશ્ર્નોના ઉકેલ માટે કાલુ ડેમ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ છે.

આ પ્રોજેક્ટને ઘણા વર્ષોથી મંજૂરી આપવામાં આવી છે અને હવે વહીવટી તંત્ર માટે ખાનગી જમીન સંપાદન, વન જમીન સંપાદન અને પુનર્વસન કાર્ય તાત્કાલિક પૂર્ણ કરવું જરૂરી છે, એમ નાયબ મુખ્ય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું.