આમચી મુંબઈમહારાષ્ટ્ર

છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના મુદ્દે એકનાથ શિંદે એક્શન મૉડમાં

બે સમિતિનું ગઠન: વિવિધ શિલ્પકારો સાથે બેઠક યોજી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને લઈને બનેલી કમનસીબ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ફરી એકવાર તે જ જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ઊભી કરવાનું જે વચન આપ્યું હતું તેની આનુષંગિક કામગીરી ઝડપી બનાવી છે. આ માટે, તેમણે તાજેતરમાં તે જ સ્થળે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ઊભી કરવા માટે કેટલાક શિલ્પકારો સાથે ઊંડાણપુર્વકની ચર્ચા કરી હતી.

માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને લગતી દુર્ઘટના પછી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે મોડી રાતે તેમના વર્ષા નિવાસસ્થાને આ મુદ્દે ચર્ચા કરવા માટે એક વિશેષ બેઠક યોજી હતી.

આ પણ વાંચો: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા મુદ્દે આખરે અજિત પવારે માફી માગી

આ બેઠકમાં મુખ્ય પ્રધાને રાજ્યના જાણીતા શિલ્પકારો વિનય વાઘ અને શશિકાંત વાડકેનો મત જાણી લીધો હતો. તેના પછી આજે તેમણે જ્યેષ્ઠ શિલ્પકાર ડો. અનિલ રામ સુતારને વર્ષા નિવાસસ્થાને મળ્યા હતા. આ સમયે તેમણે સુતાર સાથે આ વિષય પર લાંબી ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે અન્ય કેટલાક શિલ્પકારોને મળીને તેમના આ પ્રતિમા વિશેના મંતવ્યો જાણી લેશે.

દુર્ઘટના બાદ સરકારે બે ટેકનિકલ કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો છે. દુર્ઘટનાના કારણની તપાસ માટે પ્રથમ સમિતિની રચના કરવામાં આવી છે, અને આ પાંચ સભ્યોની સમિતિ કોમોડોર પવન ઢીંગરાની અધ્યક્ષતામાં કામ કરશે, જેઓ ભારતીય નૌકાદળમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.

આ કમિટી અકસ્માત માટે ચોક્કસ કોણ જવાબદાર છે તેની જવાબદારી નક્કી કરશે. આવી જ રીતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તે જ સ્થળે પુન:સ્થાપિત કરવા માટે બીજી સમિતિની રચના કરવામાં આવી છે. જાહેર બાંધકામ વિભાગના અપર મુખ્ય સચિવ મનીષા મહૈસ્કરની અધ્યક્ષતામાં આ સમિતિ કામ કરશે. આ સમિતિ એ જ જગ્યાએ પ્રતિમા ઊભી કરવાની પ્રક્રિયા નક્કી કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button