હરિયાણાના પરિણામો વિકાસ પર ભાજપનું ધ્યાન દર્શાવે છે, મહારાષ્ટ્રમાં મોટી જીત મળશે: એકનાથ શિંદે…
મુંબઈ: હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની થયેલી અદભૂત જીત વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે જે આગામી મહારાષ્ટ્ર ચૂંટણીમાં શાસક મહાયુતિને પ્રચંડ બહુમતી અપાવશે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે જણાવ્યું હતું.
કૉંગ્રેસ અને તેના વિપક્ષી ભારતીય જૂથના ભાગીદારોએ ખોટા નેરેટિવનો ઉપયોગ કર્યો, જાતિનું રાજકારણ કર્યું અને લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા માટે ખોટાં વચનો પણ આપ્યાં, પરંતુ હવે પરપોટો ફૂટી ગયો છે, એમ એકનાથ શિંદેએ એક મુલાકાતમાં જણાવ્યું હતું.
એકનાથ શિંદેએ કહ્યું હતું કે, જો તમે કોંગ્રેસ દ્વારા 50-60 વર્ષોમાં (તે સત્તામાં હતી ત્યારે) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લાં 10 વર્ષમાં શું કર્યું છે તેની તુલના કરશો તો સત્ય સ્પષ્ટ થઈ જશે.
હરિયાણામાં ડબલ એન્જિનની સરકાર હતી અને ત્યાંના લોકો સમજી ગયા કે વિકાસનો અર્થ શું છે. તેથી જ તેઓએ સતત ત્રીજી વખત ભાજપને સત્તા માટે મત આપ્યો છે, એમ પણ તેમણે કહ્યું હતું.
288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં થવાની છે.
શિંદેએ કહ્યું કે વર્તમાન મહારાષ્ટ્ર સરકાર વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
જ્યારે મહા વિકાસ આઘાડી (એમવીએ) સત્તામાં હતી, ત્યારે તેઓએ અટલ સેતુ, સમૃદ્ધિ હાઇવે, કોસ્ટલ રોડ, મેટ્રો-3 અને આરે કાર શેડ જેવા મુખ્ય પ્રોજેક્ટ પર બ્રેક મારી હતી. જ્યારે અમે આ પ્રોજેક્ટ્સ આડેના તમામ અવરોધો દૂર કર્યા છે, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.
શરદ પવારના નેતૃત્વમાં કૉંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી) એમવીએમાં ગઠબંધન ભાગીદારો છે.
શિંદેએ કહ્યું હતું કે, કોંગ્રેસ વચનો આપે છે પરંતુ પછીથી પોતાના વચન પરથી ફરી જાય છે. કોંગ્રેસ લોકોને ફસાવે છે, છેતરે છે અને ખોટા નેરેટિવ ચલાવે છે. તેથી જ હરિયાણામાં તેઓ હારી ગયા છે. તેનાથી વિપરીત ભાજપ, એનડીએ, આરએસએસ અને અમારી પાર્ટીના કાર્યકર્તાઓએ વિકાસના એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, એમ તેમણે કહ્યું હતું.
શિંદેએ કહ્યું કે કૉંગ્રેસ, એમવીએ અને ઈન્ડી ગઠબંધને લોકસભાની ચૂંટણીમાં ખોટા નેરેટિવ ફેરવીને, ખોટા વચનો આપીને અને જાતિઓમાં ઝેર ફેલાવીને મત મેળવ્યા હતા. તેથી જ લોકોએ તેમને નકારવાનું મન બનાવી લીધું છે, એમ તેમણે કહ્યું હતું.
એમવીએના નેતાઓ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસ અહંકારી બની ગઈ છે, એવો દાવો તેમણે કર્યો હતો.
રાહુલ ગાંધી દેશને બદનામ કરે છે અને વિદેશની ધરતી પર વડા પ્રધાનનો અનાદર કરે છે. પરંતુ લોકો હવે સમજદાર બની ગયા છે, એમ તેમણે કહ્યું હતું.
શિંદેએ તેમની સરકાર દ્વારા છેલ્લાં બે વર્ષમાં કરેલા કાર્યોને ઉજાગર કરવા માટે લાડકી બહેન, યુવા કાર્ય શિક્ષણ યોજના અને કિસાન વીજ બિલ માફી યોજના સહિતની વિવિધ યોજનાઓની યાદી આપી હતી.
વરિષ્ઠ નાગરિકો અને ડોક્ટર, એન્જિનિયર અને વકીલ જેવા વ્યાવસાયિક બનવા માગતી દીકરીઓ માટે પણ યોજનાઓ છે. દરેક પરિવારને અમારી સરકારની કોઈને કોઈ યોજના દ્વારા લાભ મળે છે, એમ તેમણે કહ્યું હતું.
મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું હતું કે ગયા બે વર્ષમાં કરેલા કામ અને તે પહેલાંના અઢી વર્ષમાં (એમવીએ શાસન દરમિયાન) શું કરવામાં આવ્યું હતું, તેની સરખામણી થવી જોઈએ.
લાડકી બહેન, યુવા પ્રશિક્ષણ અને મફતમાં ત્રણ રસોઈ ગેસ સિલિન્ડર આપવાની યોજના આજે એટલી પ્રખ્યાત છે કે મને વિશ્ર્વાસ છે કે લોકો અમારી સરકાર પર તેમની મંજૂરીની મહોર લગાવશે. હરિયાણામાં જેમ વિકાસ જીત્યો એવી જ રીતે મહાયુતિ મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમતી સાથે વિજયી બનશે, એમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.