Eknath Shinde સરકારની મંત્રીની કારનો થયો ભયંકર અકસ્માત
મુંબઇઃ પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાતના એક દિવસ પહેલા જ એકનાથ શિંદે સરકારમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મંત્રી અને શિવસેના શિંદે જૂથના નેતા સંજય રાઠોડની કારનો ભયાનક અકસ્માત થયો હોવાની માહિતી મળી છે. આ અકસ્માત યવતમાલમાં થયો હતો. અકસ્માતમાં કારનો આગળનો ભાગ તૂટી ગયો છે.
અકસ્માતમાં સદનસીબે સંજય રાઠોડ અને તેનો ચાલક આબાદ બચાવ થયો હતો. ગાડીની એરબેગ ખુલતાં તેમનો જીવ બચી ગયો હતો. અકસ્માતમાં રાઠોડની કારનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો. યવતમાલના દિગ્રાસ રોડ પર આ દુર્ઘટના બની હતી. જોકે, અકસ્માતમાં પીકઅપ વાહન પલટી જતાં તેના ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં સારવાર તેની ચાલી રહી છે.
એમ જાણવા મળ્યું છે કે આ દુર્ઘટના સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ થઈ હતી. કોપરા ગામ પાસે આ અકસ્માત ત્યારે થયો જ્યારે મંત્રી રાઠોડનો કાફલો પોહરાગઢથી યવતમાલ પરત જઈ રહ્યો હતો. પીએમ મોદી આવતીકાલે એટલે કે 5મી ઓક્ટોબરે પોહરાગઢમાં નંગારા મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ ભાગ લેવાના છે. સંજય રાઠોડ આ મોટા કાર્યક્રમની અંતિમ તૈયારીઓની દેખરેખ કરી રહ્યા હતા, ત્યારે પરત ફરતી વખતે અકસ્માત થયો હતો.
અકસ્માત બાદ મંત્રી સંજય રાઠોડના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. કારની એરબેગ સમયસર ખુલવાથી તેઓ બાલ બાલ બચી ગયા હતા. જો એરબેગ સમયસર ન ખુલી હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત.
Also Read –