Assembly Election: રાણેના પુત્ર નિલેશ રાણેને લઈને એકનાથ શિંદેએ કર્યો મોટો દાવો
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો પોતાની જીત મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. ચૂંટણી પહેલા પક્ષાન્તર પણ શરૂ થઈ ગયું છે. એક બાજી ભારતીય જનતા પાર્ટીના સાંસદ નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણે શિવસેનામાં જોડાયા હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે આજે સીએમ એકનાથ શિંદેએ નિલેશ રાણેને લઈને મોટું નિવેદન આપ્યું છે.
મીડિયા સાથે વાત કરતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે કુડાલમાં નારાયણ રાણેને જે લીડ મળી હતી નિલેશ રાણે આ ચૂંટણીમાં એનાથી બમણી એટલે કે ૫૨,૦૦૦ની લીડથી જીતશે. ભાજપના સાંસદ નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ મંગળવારે કહ્યું હતું કે તે એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાશે અને કુડાલ વિધાનસભાથી ચૂંટણી લડશે.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા અનુસાર કુડાલ મતવિસ્તાર શિવસેના પાસે છે અને આ જ કારણ છે કે નિલેશ ભાજપમાંથી શિવસેનામાં ગયા છે. શિવસેના (યુબીટી)ના વૈભવ નાઈક કુડાલના વર્તમાન ધારાસભ્ય છે. તેમને રાણેના જૂના હરીફ માનવામાં આવે છે. કુડાલ વિધાનસભા નારાયણ રાણેના લોકસભા મતવિસ્તાર, રત્નાગીરી-સિંધુદુર્ગનો ભાગ છે.
૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં નિલેશ કોંગ્રેસ પાર્ટી સાથે હતા. ત્યારે તેઓ રત્નાગિરી-સિંધુદુર્ગ લોકસભામાંથી ચૂંટણી જીત્યા હતા. આ ચૂંટણીમાં તેમણે શિવસેનાના સુરેશ પ્રભુને હરાવ્યા હતા. પાંચ વર્ષ પછી, નિલેશ ફરીથી એ જ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા, પરંતુ શિવસેના સામે ચૂંટણી હારી ગયા હતા. નારાયણ રાણેએ વર્ષ ૨૦૧૭ માં કોંગ્રેસ છોડી દીધી હતી. તેમણે મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષ નામની પાર્ટી બનાવી.
આ પણ અવછો : ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે માટે ઊભી કરશે મોટી ઉપાધિ, આ ઉમેદવારને ઉતારશે મેદાનમાં
વર્ષ ૨૦૧૯માં નિલેશ મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં તેઓ શિવસેનાના વૈભવ નાઈક સામે બીજી વખત ચૂંટણી હારી ગયા હતા. વર્ષ ૨૦૨૪માં ભાજપે અહીંથી નારાયણ રાણેને મેદાનમાં ઉતાર્યા હતા અને તેઓ આ સીટ જીતવામાં સફળ રહ્યા હતા.