શિંદે ફરી પડ્યા બીમાર, દિલ્હી પહોંચ્યા અજિત પવાર, મહાયુતિમાં શું ગરબડ ચાલી રહી છે?
મુંબઇઃ મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમતી મેળવીને આવેલી મહાયુતિ સરકારનું હજી સુધી ગઠન થઇ શક્યું નથી. મુખ્ય પ્રધાન પદ અને મહત્વના ખાતાઓની ફાળવણી મામલે પેચ ફસાયો હોવાનું જાણવા મળ્યું છે. એવામાં કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ફરીથી બીમાર પડી ગયા છે અને તેમણે આજની બધી મુલાકાતો રદ કરી નાખી છે, તો બીજી તરફ અજિત પવાર અકળાઇને દિલ્હી જવા રવાના થઇ ગયા છે અને વિપક્ષ તેમ જ મહારાષ્ટ્રના લોકો વિચમાસણમાં પડ્યા છે કે આ બધું શું ચાલી રહ્યું છે. એકનાથ શિંદે રવિવારે સાંજે સતારામાં પોતાના ગામથી પરત ફર્યા હતા. આ પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે સોમવારે એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસની બેઠક થશે, જેમાં સરકાર બનાવવાની ફોર્મ્યુલા નક્કી થઈ શકે છે.
આ દરમિયાન અચાનક જ એકનાથ શિંદેએ ફરી એકવાર તેમની તમામ બેઠકો રદ કરી દીધી છે. તેમના નજીકના સૂત્રોએજણાવ્યું છે કે એકનાથ શિંદેને હજુ પણ તાવ છે. તેઓ પોતાના વિધાન સભ્યો સાથે બેઠક કરવાના હતા, પરંતુ તાવને કારણે આ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી છે.
શિંદે જણાવી રહ્યા છે કે તેમને હજુ પણ તાવ છે અને તેથી તેઓ આરામ કરી રહ્યા છે, તેમ છતાં સવાલો ઉઠી રહ્યા છે કે શું તેઓ કોઈ દબાણની રાજનીતિ અપનાવી રહ્યા છે અને તેના કારણે તે બેઠકો મુલતવી રાખી રહ્યો છે? આ દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે ડેપ્યુટી સીએમ અજિત પવાર દિલ્હી જવા રવાના થવાના છે. અજિત પવાર શા માટે દિલ્હી આવી રહ્યા છે તે હાલમાં નક્કી નથી, પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ ભાજપના ટોચના નેતાઓ સાથે પણ મુલાકાત કરી શકે છે.