એકનાથ શિંદે ભાજપના ચક્રવ્યૂહમાં ફસાયા?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બન્યા ત્યારથી રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાનપદ મળ્યું હોવા છતાં નારાજ છે અને આ વાત સર્વવિદિત છે, પરંતુ હવે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં એકનાથ શિંદેને કાપવાના પ્રયાસો ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
છેલ્લા અહેવાલો મુજબ એકનાથ શિંદે અત્યારે ભાજપના ચક્રવ્યૂહમાં એવા ફસાયા છે કે તેઓ આ સ્થિતિમાંથી નીકળી શકે નહીં એવું લાગી રહ્યું છે. તેઓ પાલિકાની ચૂંટણી મહાયુતિમાં લડવાની અપેક્ષા રાખે છે અને ભાજપ સ્વબળે ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યો છે.
આપણ વાચો: ભાજપનો થાણેમાં ‘એકલા ચલો રે’નો સંકેત?: એકનાથ શિંદેને પડકારવાનો પ્રયાસ
ભાજપના પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ વિસ્તારના બાર ભૂતપૂર્વ કોર્પોરેટરોને ભાજપમાં ખેંચી લીધા હોવાથી એવું લાગી રહ્યું છે કે ભાજપ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેના ગઢમાં સ્વબળે લડવાનો કારસો ઘડી રહ્યો છે.
.અહીં ઉલ્લેખનીય છે કે ચવ્હાણે પોતાના વોર્ડમાં પ્રભાવશાળી ગણાતા આ સ્થાનિક નેતાઓ સાંસદ શ્રીકાંત શિંદેના પ્રભાવમાં ન આવે તે માટે શક્ય તેટલું બધું કર્યું છે. શિવસેના છેલ્લા બે દાયકાથી કલ્યાણ અને ડોમ્બિવલીમાં સત્તા પર છે. શિવસેનામાં ભાગલા પડ્યા પછી, હવે એવું લાગે છે કે શ્રીકાંત શિંદેએ આ સમગ્ર પ્રદેશ પર પ્રભાવ જમાવી લીધો છે.
આ પૃષ્ઠભૂમિમાં, એવી ચર્ચા છે કે શિંદેના ગઢમાં ચવ્હાણ દ્વારા ભાજપ દ્વારા આયોજિત ઓપરેશન લોટસ ફક્ત કલ્યાણ-ડોમ્બિવલી સુધી મર્યાદિત રહેશે નહીં. આનું આગામી ચરણ થાણે મનપામાં જોવા મળી સખે છે.
એકનાથ શિંદે મુખ્ય પ્રધાન હતા, ત્યારે તેમણે થાણે જિલ્લાના લગભગ તમામ શહેરો પર એકલા હાથે નિયંત્રણ જાળવવાનો પ્રયાસ કર્યો. શિંદે મુખ્ય પ્રધાન હતા ત્યારે ભાજપે જાહેર બાંધકામ વિભાગ જેવો અસરકારક પોર્ટફોલિયો રવીન્દ્ર ચવ્હાણને સોંપ્યો હતો. એક અર્થમાં, ભાજપે ચવ્હાણને તાકાત આપી.
જોકે, શિંદે પિતા-પુત્રએ તે અઢી વર્ષ દરમિયાન ડોમ્બિવલીમાં પણ ચવ્હાણને કંઈ કરવા દીધું નહોતું. શિંદેએ એવી યોજના બનાવી હતી કે ચવ્હાણને થાણે અને ડોમ્બિવલીમાં વહીવટી કાર્ય માટે વધુ અવકાશ નહીં મળે.
ચવ્હાણ ભાજપના સીધા પ્રદેશ પ્રમુખ બની ગયા છે. તેઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકના તરીકે જાણીતા છે. ઓછામાં ઓછું પક્ષ સ્તરે, ચવ્હાણ પાસે હજુ પણ તેમના શહેરમાં નિર્ણયો લેવાનો સંપૂર્ણ અધિકાર છે. શિંદે નગર વિકાસ ખાતાના પ્રધાન અને પછી મુખ્ય પ્રધાન હતા ત્યારે ચવ્હાણે જે સહન કર્યું હતું તેનું વળતર ચૂકવવાની તેમની પાસે તક છે. ચવ્હાણે શિંદે પિતા-પુત્રના નજીકના દિપેશ મ્હાત્રેને પોતાના પક્ષમાં ખેંચીને પહેલો ઘા માર્યો છે.
આપણ વાચો: થાણેમાં એલિવેટેડ અને ભૂગર્ભ રોડ નેટવર્ક, ગ્રીન થાણેની સફર: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
ચવ્હાણે શિંદેના ઘા પર મીઠું ભભરાવતાં કહ્યું હતું કે, ‘કલ્યાણ ડોમ્બિવલીના મેયર ભાજપના હશે અને તેઓ પણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અનુયાયી હશે’. આ લડાઈનો આ પહેલો તબક્કો છે. શિંદે માટે મહાયુતિ છોડી દેવી સરળ નથી. તેથી, ભાજપના આ પગલાથી શિંદે નારાજ થાય તે સ્વાભાવિક છે.
રવીન્દ્ર ચવ્હાણ ખૂબ જ શાંત અને સંયમિત રીતે શિંદેના સંપર્ક કાપતા જોવા મળે છે. બીજી તરફ, વન ખાતાના પ્રધાન ગણેશ નાઈક અને ભાજપના થાણેના વિધાનસભ્ય સંજય કેલકર શિંદે પર સીધો હુમલો કરી રહ્યા છે. નાઈક પ્રધાન બન્યા ત્યારથી, ભાજપ છાવણીમાં જે શાંતિ જોવા મળી રહી છે તે શંકાસ્પદ છે. નાઈકનું એક નિવેદન એવું હતું કે, ‘જો તમે થાણેમાં સત્તા લાવવા માંગતા હો, તો ઘમંડી રાવણને બાળી નાખો.’ આ નિવેદન શિંદેના સમર્થકો માટે આઘાતજનક હતું.
નાઈક જ્યારે પણ અને જ્યાં પણ શક્ય હોય ત્યાં શિંદેને નિશાન બનાવતા જોવા મળે છે. સંજય કેળકરે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કારભારની પણ ટીકા કરી છે. કેળકરે અગાઉ અપીલ કરી છે કે આ મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટ છે અને તેને ચોક્કસ નેતાઓના ચુંગાલમાંથી મુક્ત કરાવવું જોઈએ. જ્યારે નાઈક-કેળકરે આક્રમક રીતે શિંદેને સતાવ્યા છે, ત્યારે ફડણવીસ-ચવ્હાણ શાંતિથી આ બધું જોઈ રહ્યા છે.
અત્યારે સ્થિતિ એવી છે કે એકનાથ શિંદે મહાયુતિમાં સાથે રહીને ચૂંટણીઓનો સામનો કરવાની વાતો કરી રહ્યા છે અને ભાજપ સ્વબળે ચૂંટણી લડવાની તૈયારીઓ કરીને એકનાથ શિંદેને બલિ ચડાવવા સજ્જ થઈ રહ્યા છે.
અત્યારે શિંદે એવા ફસાયા છે કે તેઓ મહાયુતિ છોડીને જઈ પણ નથી શકતા અને મહાયુતિમાં ભાજપ તેમને સુખે રહેવા નથી દેતા. કદાચ આ જ કારણ હતું કે શિંદે શનિવારે પોતાના વતન જતા રહ્યા હતા, કેમ કે તેઓ જ્યારે જ્યારે નારાજ હોય છે ત્યારે પોતાના વતન ડેરે ગામમાં જતા રહેતા હોય છે.



