માનવતા મહેંકી: એકનાથ શિંદેએ કાફલો રોકીને જખમી યુવકને કરી મદદ
મુંબઈ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે તમામ પાર્ટી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દરેક પાર્ટીમાં નેતાઓ પ્રચાર અને જનતાને રિઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાના કાફલાને રોકીને અકસ્માતમાં ઘવાયેલા યુવાનને મદદ કરીને માનવતા મહેંકાવી હતી.
વાઇરલ વીડિયોમાં જોવા મળ્યું હતું કે રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકને જોઈને તરત પોતાનો કાફલો રોક્યો હતો અને યુવકને મદદ કરી હતી.
આ બનાવ 31મી ઓક્ટોબરનો છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રાતના વર્ષા બંગલોથી પોતાના નિવાસસ્થાન જઈ રહ્યા હતા ત્યારે BKC નજીક રસ્તામાં એક યુવક ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યો હતો. ઍ વખતે શિંદેએ પોતાના કાફલાને રોકાવ્યો હતો અને ઇજાગ્રસ્ત યુવક પાસે પહોંચ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે બાઈકના અકસ્માતમાં ઇજા પહોંચી હતી.
શિંદેએ અકસ્માતની જાણ કર્યા પછી તાત્કાલિક પોતાના કાફલામાં રહેલા ડોક્ટરની ટીમ મારફત તેની સારવાર કરાવી હતી. ત્યાર બાદ વધુ સારવાર અર્થે યુવકને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Assembly Election: બોલો, એકનાથ શિંદેની આવક 5 વર્ષમાં પચાસ ટકા ઘટી…
વીડિયો વાઇરલ થયા પછી મુખ્ય પ્રધાન ઓફિસ (CMO) મારફત પણ આ બનાવ અંગે સમર્થન આપ્યું હતું. સીએમઓ ઓફિસમાંથી જણાવ્યું હતું કે ચૂંટણીની ભાગદોડ વચ્ચે એકનાથ શિંદેએ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકને મદદ કરીને માનવતાનું ઉત્તમ કામ કર્યું હતું.