મહારાષ્ટ્રમાં ધુળે અને પુણેમાં બે માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત
પુણેઃ મહારાષ્ટ્રમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની દુર્ઘટનામાં કુલ આઠ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શનિવારે રાત્રે લગભગ ૧ વાગ્યાના સુમારે ધુળે જિલ્લાના શિંદખેડા તાલુકા હેઠળના હોલ ગામમાં એક પીકઅપ વાન અને એક ઇકો વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
આ દુર્ઘટનામાં ૪ લોકોના મોત થયા છે. ઘટનાસ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે પીક-અપ વાનના ચાલક દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યો હોવાને કારણે અકસ્માત સર્જાયો હતો.
બીજી તરફ પુણેના છત્રપતિ સંભાજી નગર હાઈવે પર એક અકસ્માતમાં પણ ચાર લોકોના મોત થયા હતા. શુક્રવારે રાત્રે એક અતિ ઝડપે દોડી રહેલી સ્કોર્પિયો ગાડીએ અન્ય કારને ટક્કર મારી હતી.
આપણ વાંચો: રાજસ્થાનમાં ભીષણ માર્ગ અકસ્માત, Khatu Shyamના દર્શને જતા છ શ્રધ્ધાળુના મોત
જેના કારણે ૪ લોકોના મોત થયા છે અને ૨ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. લગ્નના ૧૦ વર્ષ બાદ એન્જિનિયર અજયની પત્ની મૃણાલીએ એક પુત્રને જન્મ આપ્યો હતો.
અમરાવતીમાં બાળકના જન્મની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણીમાંથી પરત ફરતી વખતે તેમની કારને સ્કોર્પિયોએ ટક્કર મારી હતી. જેના કારણે ૩૬ વર્ષીય મૃણાલી અજય દેસકર, તેના ૬ મહિનાના બાળક અમોઘ દેસકર, તેના સંબંધી સાત વર્ષીય દુર્ગા સાગર ગીતે અને મૃણાલીની માતા ૬૪ વર્ષીય આશાલતા હરિહર પોલઘાટનું મોત થયું હતું.
અજય દેસકર અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. સ્કોર્પિયો સવાર વિશાલ ઉર્ફે ઉદ્ધવ જ્ઞાનેશ્વર ચવ્હાણ અને ક્રિષ્ના કારભારી કેરે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વધુ પડતી ઝડપના કારણે તેણે સ્કોર્પિયો પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે સ્કોર્પિયો ડિવાઈડર સાથે અથડાઈને સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી.