રાજ્યમાં સરકારી શાળાઓનું એકત્રિકરણ કરવાનો શિક્ષણ વિભાગનો પ્રસ્તાવ
મુંબઈ: મહારાષ્ટ્રમાં ૧૬૩ ગ્રૂપ સ્કૂલ વિકસાવવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે કમિશનર ઓફિસ સમક્ષ પ્રાથમિક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના આ પ્રસ્તાવની તપાસ કર્યા બાદ તેને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.
એક અધિકારીએ જણાવ્યુ હતું કે રાજ્યની અનેક સરકારી શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી તે શાળામાં શિક્ષણ માટે પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી.
રાજ્ય સરકાર દ્વારા પણ આવી શાળાઓને એક સાથે લાવી ત્યાં પ્રયોગ શાળા, પુસ્તકાલય, વૉલ પેઇન્ટિંગ, ગ્રીન ચોક બોર્ડ, ઈ-લર્નિંગ, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ જેવી સુવિધાઓને વિધાર્થીઓને આપવામાં આવે જેથી વિધાર્થીઓને સારી શિક્ષણ સુવિધાઓ મળી શકે.
રાજ્યમાં અંદાજે ૧૪,૭૮૩ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦ કરતાં પણ ઓછી છે. આવી શાળાઓમાં અંદાજે એક લાખ કરતાં વધુ વિધાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે અને ત્રીસ હજાર જેટલા શિક્ષકો સેવા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાને લીધે પૂરતી સુવિધા ન મળતા રાજ્યના દુર્ગમ ભાગોમાં સમૂહ શાળાઓ શરૂ કરવા અંગેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
હાલમાં આ પ્રકારની સમૂહ શાળાનો પ્રયોગ થાણેના શહાપુરના એક ગામમાં શરૂ કરવામાં આવે એવો વિચાર ચાલી રહ્યો છે. આ ગામમાં આવેલા જિલ્લા પરિષદની શાળામાં બે શિક્ષકો હેઠળ ૭૪ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે. આ શાળાને આ વિસ્તારની અન્ય છ શાળાઓને એકત્રિક કરવાનો પ્રસ્તાવ થાણે જિલ્લા પરિષદે કમિશનર સામે રજૂ કર્યો છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે આ બધી શાળાઓને એક સાથે લાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬૨ જેટલી થઈ જશે જેથી વિવિધ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. આ પ્રસ્તાવનો વિચાર કરી તે માટે લાગનારો ખર્ચ અને ભંડોળ પૂરું પાડવા આ પ્રસ્તાવને રાજ્ય સરકાર પાસે મોકલવામાં આવ્યો છે.