વેબ સિરીઝ ‘ફર્ઝી’થી પ્રેરાઈને નકલી નોટ છાપવા સુશિક્ષિત યુવાને શરૂ કર્યું?
ચીનથી વિશેષ પ્રકારના કાગળ પણ મગાવ્યા
પુણે: અભિનેતા શાહિદ કપૂરની પ્રખ્યાત વેબ સિરીઝ ‘ફર્ઝી’થી પ્રેરિત થઈને નકલી નોટ છાપવાના રેકેટનો પુણેમાં ખુલાસો થયો છે. પુણે શહેરમાં નકલી નોટ છાપવાના આ રેકેટમાં આઇટી ડિપ્લોમાની ડિગ્રી વાળો એક યુવાન પણ સામેલ છે. આ યુવાને એક પ્રિંટિંગ પ્રેસ શરૂ કર્યું હતું, પણ તેમાં નુકસાન થતાં તેણે નકલી નોટ છાપવાનું શરૂ કર્યું હતું.
આ ‘ફર્ઝી’ રેકેટ બાબતે પુણે શહેરના પિંપરી-ચિંચવડ પોલીસે માહિતી આપી હતી કે નકલી નોટ છાપવા બાબતે છ લોકોની ધરપકડ કર્યાની સાથે તેમની પાસેથી નકલી નોટ છાપવાની મશીન પણ જપ્ત કરવામાં આવી છે. આ આરોપીઓએ શાહિદ કપૂરની વેબ સિરીઝ ‘ફર્ઝી’થી પ્રેરણા લઈને 500 રૂપિયાની બનાવટી નોટને એકદમ આબેહૂબ રીતે છાપી હતી. પોલીસને આ માહિતી મળતા બનાવટી નોટ છાપવાની ફેક્ટરી પર દરોડા પાડી ને 500ની બનાવટી નોટની 70,000 રૂપિયાની રકમ તાબામાં લીધી હતી.
બનાવટી નોટ છાપવાના આ રેકેટમાં કુલ છ આરોપીઓ સામેલ છે જેમાંથી એક પાસે આઇટી ડિપ્લોમાની ડિગ્રી પણ છે. આ આરોપીઓએ એક પ્રિંટિંગ પ્રેસ શરૂ કર્યું હતું, પણ તેમાં તેમને નુકસાન થતાં ચીનથી એક ખાસ કાગળ મગાવી 500 રૂપિયાની બનાવટી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. આ આરોપીઓએ 70,000 રૂપિયાની બનાવટી નોટ છાપી લીધી હતી. જોકે પોલીસે દરોડા પર આ આખા રેકેટનો ખુલાસો કર્યો હતો.
એક અધિકારીએ માહિતી આપી હતી કે પોલીસના આ દરોડા દરમિયાન છ આરોપીની ધરપકડ કરવાની સાથે ચીનથી નોટ છાપવા માટે લાવેલું ખાસ કાગળ, 500ની નોટ અને 70,000 રૂપિયાની રકમ પણ જપ્ત કરી હતી. આ ઘટનાને લઈને પુણે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને આ રેકેટમાં હજી કેટલા આરોપીઓ છે તેની તપાસ શરૂ છે.