EDની મોટી કાર્યવાહી, દાઉદ ઈબ્રાહિમના નજીકના ઈકબાલ મિર્ચીની કરોડોની સંપત્તિ જપ્ત
મુંબઇઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ મની લોન્ડરિંગ કેસમાં ઈકબાલ મિર્ચીની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ પ્રોપર્ટી મુંબઈના ખેતવાડી વિસ્તારમાં આવેલી છે. ED દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિ કરોડોની છે. ગિરગાંવમાં પટ્ટે બાપુરાવ માર્ગ પર ન્યૂ રોશન ટોકીઝમાં આવેલી મિલકતને મિર્ચીએ દાણચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી મળેલી રકમનો ઉપયોગ કરીને કથિત રીતે હસ્તગત કરી હતી.
EDને ઇનપુટ મળ્યા હતા કે મિર્ચીના પરિવારે ગેરકાયદેસર રીતે આ સંપત્તિઓને ત્રીજા પક્ષના નામે ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેમની સામે કાર્યવાહી ટાળી શકાય. આ કાર્યવાહી આઈપીસી, આર્મ્સ એક્ટ, એનડીપીએસ એક્ટ જેવી ગંભીર કલમો હેઠળ નોંધાયેલા કેસના આધારે કરવામાં આવી હતી, જેમાં મિર્ચી અને અન્ય આરોપીઓ સામેલ હતા. મિર્ચી પરિવાર સાથે જોડાયેલા એક વ્યક્તિએ તપાસ એજન્સીને જણાવ્યું કે તે સિનેમા હોલનો માલિક છે. તેણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી લીધા બાદ ઈમારત તોડી પાડી હતી. પરંતુ ED અધિકારીઓએ તેના દાવાને નકારી કાઢ્યો હતો.
હકીકતમાં 2019માં, EDએ મિર્ચી અને તેના સહયોગીઓ સામે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. આ સમયે તેની ન્યુ રોશન ટોકીઝ સહિત અનેક મિલકતો જપ્ત કરવામાં આવી હતી. ED મિલકતનો કબજો મેળવવા માંગતી હતી, પણ મિર્ચીના સંબંધીઓએ એપેલેટ ટ્રિબ્યુનલ (PMLA)માં સ્ટે મેળવવા અપીલ કરી હતી. એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા આગળની કાર્યવાહી પર રોક લગાવવામાં આવી હતી. ત્યાર બાદથી આ મામલો પેન્ડિંગ હતો. હવે ગયા મહિને ઈકબાલ મિર્ચીના સાથીઓએ સિંગલ સ્ક્રીન સિનેમા હોલમાં તોડફોડ કરી હતી અને મિર્ચીનો પરિવારે ગેરકાયદેસર રીતે આ સંપત્તિઓને ત્રીજા પક્ષના નામે ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની જાણ થતા EDએ તેને ખાલી કરવા માટે ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો અને પછી પ્લોટનો કબજો લીધો હતો.
ઇકબાલ મિર્ચી વિશેઃ-
આંતરરાષ્ટ્રીય માફિયા દાઉદ ઈબ્રાહિમના સૌથી મહત્વપૂર્ણ લોકોમાંથી એક મેમન ઈકબાલ મોહમ્મદ ઉર્ફે ઈકબાલ મિર્ચીનું નામ મુંબઈ વિસ્ફોટની ઘટના બાદ સૌથી પહેલા સામે આવ્યું હતું. ઇકબાલ વિરુદ્ધ 1994માં ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી. ભારતમાંથી ભાગી છૂટ્યા બાદ ઈકબાલ યુરોપ અને બ્રિટનમાં દાઉદનો બિઝનેસ સંભાળતો હતો. મુંબઈ બ્લાસ્ટના કાવતરામાં પણ ઈકબાલ સક્રિય રીતે સામેલ હતો. મુંબઈમાં આતંક મચાવવાના એક દિવસ પહેલા જ તે મુંબઈથી ફરાર થઈ ગયો હતો.
મુંબઈના માફિયાઓમાં ઈકબાલ મિર્ચીને નાર્કોટિક્સ કિંગ પણ કહેવામાં આવે છે. ભારતમાં તેની સામે ટાડા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તે લંડનથી જ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો.
ઈકબાલ નામ સાથે મિર્ચી શબ્દ ઉમેરવામાં આવ્યો તેની પણ ઘણી રોચક વાર્તા છે. મુબઈના નળ બજારમાં તેની મસાલાની દુકાન હતી. જેના કારણે તે ઈકબાલ મિર્ચી તરીકે ઓળખાવા લાગ્યો હતો. ત્યાર બાદ 1980માં તે મુંબઈમાં ડ્રગ્સની દાણચોરીનો ધંધો કરવા માંડ્યો હતો. ઈકબાલ મિર્ચી દાઉદ ઈબ્રાહિમ સાથે મળીને ડ્રગ્સ અને અન્ય સામાનની દાણચોરી કરતો હતો. તેણે આ દાણચોરીમાંથી જંગી સંપત્તિ બનાવી હતી અને અનેક હત્યાઓમાં પણ તે સામેલ હતો. તેણે અભિનેત્રી હિના કૌસરને પોતાની બીજી પત્ની બનાવી હતી. 2013માં લંડન ખાતે તેનું નિધન થયું હતું.
આ પણ વાંચો…આવી ગયો ફળોનો રાજાઃ કોંકણની હાફુસનું મુંબઈમાં આગમન, જાણો કેટલો છે ભાવ
ઈકબાલ મિર્ચી, ભાગેડુ ડોન દાઉદ ઈબ્રાહિમ કાસકર સાથે ડ્રગ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય સામાનની દાણચોરીમાં સંડોવાયેલો હતો અને આ માધ્યમો દ્વારા મોટી સંપત્તિ એકઠી કરી હતી. IPLમાં મેચ ફિક્સીંગના રેકેટમાં પણ તે સંડોવાયેલો હતો.મિર્ચીના બે પુત્ર આસિફ અને જુનૈદને પણ ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે મિર્ચીના મૃત્યુ બાદ પણ ગેરકાયદે માદક દ્રવ્યોનો વેપાર ચાલુ રાખ્યો હોવાનું કહેવાય છે.