આમચી મુંબઈમહારાષ્ટ્ર

રાજકીય વિરોધીઓને ડરાવવા અને શાંત કરવા માટે ઈડીનો ઉપયોગ: શરદ પવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના સ્થાપક શરદ પવારે શનિવારે કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નો ઉપયોગ રાજકીય હરીફોને ગભરાવવા માટે અને શાંત કરવા માટેના શસ્ત્ર તરીકે કરવામાં આવી રહ્યો છે.

સોલાપુરમાં આવેલા શરદ પવારે તેમના પૌત્ર અને પાર્ટીના વિધાનસભ્ય રોહિત પવારને ઈડીના સમન્સ પાઠવવામાં આવ્યા તેના પર પ્રતિક્રિયા આપતાં આમ કહ્યું હતું. ઈડીએ મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક (એમએસસીબી) કૌભાંડમાં મની લૉન્ડરિંગની તપાસના ભાગરૂપે રોહિત પવારને સમન્સ પાઠવ્યા છે અને 24 જાન્યુઆરીએ પુછપરછ માટે બોલાવ્યો છે.

આ કેસમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા ઑગસ્ટ-2019માં એફઆઈઆર દાખલ કર્યો હતો.

ઈડીએ રોહિત પવારની કંપની બારામતી એગ્રોમાં પાંચમી જાન્યુઆરીએ તપાસ કરી હતી.

કેન્દ્ર સરકારની ટીકા કરતાં શરદ પવારે કહ્યું હતું કે ઈડીનો ઉપયોગ વિરોધીઓની બોલતી બંધ કરવા માટે સત્તાનો દુરુપયોગ કરીને તેમને ગભરાવવા માટે થઈ રહ્યો છે. અમે જનતાની અદાલતમાં જઈશું અને આવી પ્રવૃત્તિનો પરાજય કરીશું.

લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણી બાબતે પુછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી, શેકાપ (શેતકરી કામગાર પક્ષ) અને સામ્યવાદીઓને મહાવિકાસમાં સામેલ કરવા માટેની ચર્ચા ચાલી રહી છે.
અત્યારે મહાવિકાસ આઘાડીમાં શિવસેના (યુબીટી), કૉંગ્રેસ અને એનસીપીના શરદ પવાર જૂથનો સમાવેશ થાય છે.
આ બાબતે અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. મહાવિકાસ આઘાડીના ત્રણેય ભાગીદારોની સમિતિ બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા પર ચર્ચા કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના જૂના લોકો યુવાનોને રાજકારણમાં તક આપતા નથી એવા નિવેદન અંગે પુછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે આવી વાતોને તેઓ મહત્ત્વ આપતા નથી.

તેમને રાજકારણમાં કોણે તક આપી હતી? કોણે તેમને ચૂંટણી લડવા માટે ઉમેદવારી આપી હતી? એવા સવાલ તેમણે કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button