‘Khichdi Scam’માં રાઉતની મુશ્કેલી વધીઃ ભાઈ સંદીપ રાઉતને ઇડીના સમન્સ

મુંબઈ: કોવિડ-19 સમયગાળા દરમિયાન ‘ખિચડી કૌભાંડ’માં સામેલ હોવાના આરોપ સામે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતના નાના ભાઈ સંદીપ રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. આ મામલે એક અધિકારીએ કહ્યું હતું કે સંદીપ રાઉતને આગામી અઠવાડિયામાં ઇડીએ મુંબઈની ઓફિસમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (પીએમપીએલ) હેઠળ સંદીપ રાઉતનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું.
‘ખિચડી કૌભાંડ’માં ઇડી દ્વારા ઉદ્ધવ જૂથના સુરજ ચવ્હાણની પણ ધરપકડ કરવામાં આવી હતી તેમ જ ચવ્હાણને ગુરુવાર સુધી ઇડીની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા અને આજે તેમને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે. મની લોન્ડરિંગના આ મામલે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા એક એફઆઇઆર પણ નોંધવામાં આવી હતી.
આ મામલે ઇડીના અધિકારીએ જણાવ્યું હતું કે ‘ખિચડી પેકેટ’ના સપ્લાય માટે મુંબઈ મહાપાલિકા દ્વારા ‘ફોર્સ વન મલ્ટી સર્વિસ’ તેના બેન્ક ખાતામાં 8.64 કરોડ રૂપિયાની રોકડ રકમ મોકલવામાં આવી હતી.
એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના વડા શરદ પવારના પૌત્ર રોહિત પવારને પણ ઇડી દ્વારા મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેન્ક કૌભાંડ મામલે પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા. રોહિત પવારને એક ફેબ્રુઆરીએ ઇડીની ઓફિસમાં હાજર રહેવા અંગે નોટિસ મોકલવામાં આવી છે તેમ જ આ બુધવારે પણ રોહિત પવારથી 11 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.