ઇડીએ ટાંચ મારી હોવા છતાં થિયેટર તોડી જગ્યા વેચવાનો પ્રયાસ: ઇકબાલ મિરચીના સાગરીતની ધરપકડ

મુંબઈ: મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) દ્વારા ટાંચ મારવામાં આવી હોવા છતાં ફિલ્મ થિયેટર તોડીને જગ્યા પંદર કરોડ રૂપિયામાં વેચવાનો પ્રયાસ કરવા બદલ ડ્રગ સ્મગલર ઇકબાર મિરચીના સાગરીતની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીની ઓળખ અબ્દુલ કાદિરઅલી મોહંમદ (75) તરીકે થઇ હોઇ દક્ષિણ મુંબઇના વી.પી. રોડ પોલીસે બુધવારે તેની ધરપકડ કરી હતી. ઇડીના અધિકારીએ તાજેતરમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગિરગામ વિસ્તારમાં ન્યૂ રોશન ટોકીઝને તેમના દ્વારા મની લોન્ડરિંગ સંબંધમાં ટાંચ મારવામાં આવી હતી. આમ છતાં આરોપીએ થિયેટર તોડી પાડ્યું હતું અને એ જગ્યા વેચવાનો પ્રયાસ કર્યો હતો.
આપણ વાંચો: મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ…
આ ફરિયાદને આધારે આરોપી અબ્દુલ સામે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ છેતરપિંડી, ઘૂસણખોરી અને ખોટી હરકતો કરવા બદલ ગુનો દાખલ કરાયો હતો.
આ થિયેટરની કડી સ્વર્ગસ્થ ઇકબાલ મિરચી સાથે જોડાયેલી છે, જેના પર 2020માં ઇડી દ્વારા ટાંચ મારવામાં આવી હતી. આમ છતાં ગયા વર્ષે આરોપી અબ્દુલે થિયેટર તોડી નાખ્યું હતું અને એ જગ્યા પર માલિકી દાવો કર્યો હતો.
આપણ વાંચો: ડબ્બા ટ્રેડિંગ ઍપ પ્રકરણમાં ચાર સ્થળે ઈડીના દરોડા
તેણે આ જગ્યા વેચવા માટે મધ્ય પ્રદેશના ગ્વાલિયરના વેપારી સાથે પંદર કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો અને ટોકન મની લીધા હતા. ઇડીના જણાવ્યા અનુસાર આરોપીએ મિલકતના રેકોર્ડ સાથે ચેડાં કર્યાં હતાં અને જગ્યા પોતાના નામે કરી લીધી હતી.
ઇકબાલ મિરચી અને અબ્દુલ એક દાયકાથી એકબીજાને ઓળખતા હતા. 1982માં તેમણે સંયુક્ત રીતે છ લાખ રૂપિયામાં આ થિયેટર ખરીદ્યું હતું, જેમાં અબ્દુલના ખાતામાંથી વધુ રકમ અપાઇ હતી. દરમિયાન અબ્દુલની ધરપકડ કરાયા બાદ તેને સ્થાનિક અદાલતમાં હાજર કરાયો હતો, જ્યાં તેને શુક્રવાર સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. (પીટીઆઇ)