
મુંબઈ: મહાદેવ બેટિંગ એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એક્શન મોડમાં આવી ગયું છે. આ મામલે EDની કાર્યવાહી ચાલુ છે. EDએ હવે આ મામલે મોટી કાર્યવાહી કરી છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં EDએ બોલીવુડના પ્રોડક્શન હાઉસ પર દરોડા પાડ્યા છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસના સંબંધમાં EDએ શુક્રવારે અંધેરીમાં આવેલી કુરેશી પ્રોડક્શન્સની ઓફિસ અને અન્ય પાંચ સ્થળો પર દરોડા પાડ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોલિવૂડના આ પ્રોડક્શન હાઉસને અંડરવર્લ્ડ પાસેથી ફાઇનાન્સ કરવામાં આવી રહ્યું છે.
EDના સૂત્રોના જણાવ્યા અનુસાર કુરેશી પ્રોડક્શનને ‘વેદાત મરાઠે વીર દૌડલે સાત’ ફિલ્મ બનાવવા માટે મહાદેવ એપના પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ પાસેથી ધિરાણ મળ્યું હતું. કુરેશી પ્રોડક્શનની માલિકી વસીમ અને તબસ્સુમ કુરેશીની છે. મોટા બજેટની ઐતિહાસિક ફિલ્મ ‘વેદાત મરાઠે વીર દૌડલે સાત’માં બોલિવૂડના મોટા સ્ટાર્સ સામેલ છે.
આ ફિલ્મ પ્રાદેશિક ભાષાઓમાં બની રહી છે અને અન્ય ઘણી ભાષાઓમાં ડબ કરવામાં આવશે એમ કહેવાય છે. હાલમાં અંધેરી અને અન્ય કેટલાક સ્થળો પર EDના દરોડા ચાલુ છે. વસીમ કુરેશીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેની મુસાફરીની વિગતો અને નાણાકીય વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે.
મહત્વની વાત એ છે કે આ ફિલ્મ મહેશ માંજરેકરે ડિરેક્ટ કરી છે. મહાદેવ એપ સટ્ટાબાજીનો કેસમાં EDએ મુંબઈમાં કુરેશી પ્રોડક્શન હાઉસ પર દરોડા પાડ્યા છે. કુરેશી પ્રોડક્શન હાઉસ બોલિવૂડનું સૌથી મોટું પ્રોડક્શન હાઉસ છે. એવું જાણવા મળ્યું છે કે મહેશ માંજરેકરની આગામી ફિલ્મ ‘વેદાત મરાઠે વીર દૌડલે સાત’માં કુરેશી પ્રોડક્શન હાઉસની મહત્વની ભૂમિકા છે. તેમજ કુરૈશીના બોલિવૂડ અને રાજકીય નેતાઓ સાથેના ઘણા પ્રખ્યાત ફોટા પણ સામે આવ્યા છે, તેથી હવે મહેશ માંજરેકરની ફિલ્મ મુશ્કેલીમાં મુકાશે એવી સંભાવના છે.
મહાદેવ સટ્ટાબાજી એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ કોમેડિયન કપિલ શર્મા, અભિનેત્રી હુમા કુરેશી અને હિના ખાનને સમન્સ પાઠવ્યા છે. આ કલાકારોને અલગ-અલગ તારીખે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ જ કેસમાં EDએ પહેલાથી જ બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરને સમન્સ મોકલ્યું છે અને તેમને પૂછપરછ માટે ઓક્ટોબરના રોજ રાયપુર વિભાગીય કચેરીમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.
ED પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમનું નિવેદન નોંધશે. આ કલાકારોએ મહાદેવ એપનો પ્રચાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. એપના એક પ્રમોટરના લગ્નમાં કેટલાક કલાકારોએ મહેમાનોનું મનોરંજન કર્યું હતું.
ડાયરેક્ટર મહેશ માંજરેકરની મરાઠી ફિલ્મ ‘વેદાત મરાઠે વીર દૌડલે સાત’ની હાલમાં ભારે ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના સાત શૂરવીરોની વાર્તા જોવા મળશે. ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવતો જોવા મળશે.