‘ગેરકાયદે’ ફોરેક્સ ટ્રેડિંગ ઍપ કેસમાં ઈડીએ કરી ટીવી કલાકારોની પૂછપરછ

મુંબઈ: રોકાણકારો સાથે 500 કરોડ રૂપિયાની ઠગાઈનો આરોપ ધરાવતા ‘ગેરકાયદે’ ઑનલાઈન ફોરેક્સ ટ્રેડિંગ પ્લૅટફોર્મના સંચાલન સાથે કડી ધરાવતી મની લોન્ડરિંગની તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) બુધવારે બે ટીવી કલાકારોનાં નિવેદન નોંધ્યાં હતાં.
સૂત્રોના જણાવ્યા મુજબ બે ઍક્ટર ક્રિસ્ટલ ડિસોઝા અને કરણ વાહીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા પછી પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ તેમનાં નિવેદન નોંધવામાં આવ્યાં હતાં. ઓક્ટાએફએક્સ નામની ઍપના પ્રમોશન માટે આ બન્ને કલાકારને કરાયેલા પેમેન્ટ વિશે ઈડીએ પૂછપરછ કરી હતી.
આ કેસમાં પૂછપરછ માટે અન્ય એક અભિનેત્રી અને મોડેલ નિયા શર્માને પણ સમન્સ મોકલવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ કેસમાં કલાકારો આરોપી નથી, પરંતુ ઈડી પ્લૅટફોર્મનું સંચાલન સમજવા માગે છે. માટે તેની સાથે સંકળાયેલા કલાકારોની પૂછપરછ કરી રહી છે.
ઉચ્ચ વળતરની લાલચે અનેક રોકાણકારો સાથે કથિત ઠગાઈ કરવા પ્રકરણે પુણેની શિવાજી નગર પોલીસે ઍપ અને તેના પ્રમોટરો સામે એફઆઈઆર નોંધ્યો હતો. આ કેસ સંબંધી મની લોન્ડરિંગની તપાસ ઈડી દ્વારા કરવામાં આવી રહી છે.
ઓક્ટાએફએક્સ ઍપ અને તેની વેબસાઈટને ફોરેક્સ ટ્રેડિંગમાં વ્યવહાર કરવા માટે આરબીઆઈ દ્વારા માન્યતા અપાઈ નથી, એવું તપાસ એજન્સીએ અગાઉ કહ્યું હતું.
આ પ્રકરણમાં એપ્રિલમાં ઈડીએ મુંબઈ, ચેન્નઈ, કોલકતા અને દિલ્હીમાં દરોડા પાડ્યા હતા. રોકાણકારો પાસેથી ભેગું કરેલું ભંડોળ અનેક ઈ-વૉલેટ એકાઉન્ટ અથવા ડમી કંપનીઓનાં બૅન્ક ખાતાંમાં વાળવામાં આવ્યાં હતાં, એમ ઈડીનું કહેવું છે.
આ કેસમાં અત્યાર સુધીમાં 35 કરોડ રૂપિયાના ગૉલ્ડ કોઈન્સ, ક્રિપ્ટો કરન્સીઝ અને બૅન્ક ડિપોઝિટ્સને ટાંચ મારવામાં આવી છે. (પીટીઆઈ)