વસઇ-વિરારમાં ગેરકાયદે બાંધકામ: ઇડીએ પાલિકાના ભૂતપૂર્વ કમિશનર અનિલ પવાર સહિત ચારની કરી ધરપકડ…

મુંબઈ: વસઇ-વિરા મહાનગરપાલિકાની હદમાં ‘મોટા પાયે’ કરાયેલાં ગેરકાયદે બાંધકામ સાથે કડી ધરાવતા મની લોન્ડરિંગ પ્રકરણની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ બુધવારે પાલિકાના ભૂતપૂર્વ કમિશનર અનિલ પવાર સહિત ચારની ધરપકડ કરી હતી.
ઇડી દ્વારા ધરપકડ કરાયેલા ચાર જણમાં અનિલ પવાર સહિત સસ્પેન્ડેડ ડેપ્યુટી ડિરેક્ટર (ટાઉન પ્લાનિંગ) વાય.એસ. રેડ્ડી, ભૂતપૂર્વ નગરસેવક અને બિલ્ડર સીતારામ ગુપ્તા તથા અરુણ ગુપ્તાનો સમાવેશ થાય છે. તેમને ગુરુવારે પીએમએલએ કોર્ટમાં હાજર કરાશે.
ઇડી દ્વારા ગયા મહિને અનિલ પવાર, તેના પરિવારના સભ્યો, સહકર્મચારીઓ અને કથિત બેનામી મિલકતો તેમના નામે કરવામાં આવી છે એવા લોકો સાથે સંકળાયેલા મુંબઈ, વિરાર અને નાશિક ખાતેના ડઝન જેટલાં સ્થળે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઇઓ હેઠળ સર્ચ હાથ ધરવામાં આવી હતી.
અનિલ પવારની મહાપાલિકામાંથી બદલી કરવામાં આવી હતી અને 28 જુલાઇએ તેમનો વિદાય સમારંભ હતો.
મીરા-ભાયંદર પોલીસ કમિશનરેટમાં અમુક બિલ્ડર, સ્થાનિક માથાભારે લોકો અને અન્યો વિરુદ્ધ નોંધાયેલા એફઆઇઆરના આધાર પર ઇડીએ મની લોન્ડરિંગની તપાસ આદરી હતી.
2009માં વસઇ-વિરાર પાલિકાની હદમાં સરકારી અને ખાનગી જમીનો પર 41 ગેરકાયદે બાંધકામ કરાયું હતું. આ બિલ્ડિંગો ‘સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડમ્પિંગ ગ્રાઉન્ડ’ માટે અનામત જમીન પર ઊભી કરાઇ હતી. હાઇ કોર્ટે જુલાઇ, 2024માં આ તમામ બિલ્ડિંગને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.