આર્થિક સર્વેક્ષણમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિકાસના ક્ષેત્રોની જાણકારી મળી: વડા પ્રધાન
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે આર્થિક સર્વેક્ષણના અહેવાલમાં અર્થતંત્રની કેટલીક સક્ષમ બાબતો ધ્યાનમાં આવી છે અને તેની સાથે જ ભારતને વિકસિત ભારત બનાવવા તરફ લઈ જવા માટે જે ક્ષેત્રોમાં વધુ વિકાસ અને પ્રગતિની તકો રહેલી છે તેની જાણકારી મળી છે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે આર્થિક સર્વેક્ષણ 2023-24નો અહેવાલ અને તેની સાથે આંકડાકીય પુરવણીઓ સંસદમાં રજૂ કરી હતી.
આર્થિક સર્વેક્ષણ વાર્ષિક દસ્તાવેજ છે જે સરકાર દ્વારા કેન્દ્રીય બજેટ પહેલાં રજૂ કરવામાં આવતો હોય છે જેમાં અર્થતંત્રનું સરવૈયું માંડવામાં આવતું હોય છે. આ દસ્તાવેજમાં અર્થતંત્રના ટૂંકા ગાળાના તેમ જ લાંબા ગાળાની સંભાવનાઓ વિશે પણ છણાવટ કરવામાં આવે છે.
આ પણ વાંચો: આર્થિક સર્વેક્ષણ 2023-24 : વૈશ્વિક ઉત્પાદનમાં ચીનનું સ્થાન લેવું ભારત માટે નથી શક્ય
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મોદીએ કહ્યું હતું કે આર્થિક સર્વેક્ષણમાં આપણા અર્થતંત્રની અત્યારની ક્ષમતા ધ્યાનમાં લાવી આપી છે. આની સાથે જ સરકારે કરેલા વિવિધ સુધારાવાદી પગલાંના પરિણામો પણ ધ્યાનમાં લાવી આપ્યા છે.
આમાંથી ભારતને વિકસિત ભારતના નિર્માણ માટે ક્યા વિસ્તારોમાં વિકાસ અને પ્રગતિની તકો રહેલી છે તેની પણ જાણકારી મળી છે, એમ પણ વડા પ્રધાને જણાવ્યું હતું. (પીટીઆઈ)