મરાઠવાડા, વિદર્ભના જિલ્લામાં ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં: અજિત પવાર
મુંબઈ: મરાઠવાડા, વિદર્ભમાં બુધવારે સવારે 7.14 કલાકે હિંગોલી, પરભણી, નાંદેડ, છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, વાશિમ જિલ્લાની સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 ની હતી. ભૂકંપનું કેન્દ્ર હિંગોલી જિલ્લાના કળમનુરી તાલુકાના રામેશ્ર્વર ટાંડા ગામ પાસે હતું અને હળવા ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે મિલકતોને નુકસાનના અહેવાલ નથી, એવી માહિતી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આજે વિધાનસભામાં આપી હતી.
વિધાનસભામાં રાજ્ય સરકાર વતી નિવેદન કરતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મરાઠવાડા, વિદર્ભના કેટલાક જિલ્લાઓમાં આવેલા ભૂકંપની ગંભીર નોંધ લીધી છે અને સંબંધિત કલેક્ટર, જિલ્લા મેજિસ્ટ્રેટ, તહસીલદાર અને તમામ વહીવટી તંત્રને સતર્ક રહેવા અને નાગરિકોને તાત્કાલિક જરૂરી સહાય પૂરી પાડવાની સૂચના આપવામાં આવી છે. નાગરિકોએ ગભરાવું નહીં, પરંતુ સતર્ક રહેવું જોઈએ અને બચાવના પગલાં અમલમાં મૂકવા જોઈએ. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ગામડાઓમાં પતરાની છતવાળા ઘરો પર ટેકા માટે મૂકવામાં આવેલા પથ્થરો દૂર કરે કેમ કે આ પથ્થર પડવાને કારણે જાનહાનિ થઈ શકે છે. રાજ્ય સરકાર સંબંધિત જિલ્લાના કલેક્ટરો સાથે સંપર્કમાં છે અને આ ભૂકંપ અને નુકસાન અંગે સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી વધુ માહિતી મગાવવામાં આવી રહી છે.
Also Read –