આતુરતાનો અંત: સેંકડો ભક્તોએ કર્યા લાલબાગ ચા રાજાના પ્રથમ દર્શન
મુંબઈઃ લાખો કરોડો લોકોનું શ્રદ્ધાસ્થાન બની ચૂકેલા લાલબાગ ચા રાજાનું આજે ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો અને સેંકડો ભક્તોએ બાપ્પાની ઝાંખી જોઈને કૃપા પ્રાપ્ત કરી હતી.
મુંબઈમાં ગણેશોત્સવની શરૂઆત પહેલાં આજે 15મી સપ્ટેમ્બરના શુક્રવારે સાંજે સાત વાગ્યે લાલબાગ ચા રાજા ગણપતિના પ્રથમ દર્શન કરીને સેંકડો શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા. દર વર્ષે બાપ્પાના પહેલાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટે જ છે, પણ આ વર્ષે ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ગાજર રહ્યા હતા.
મંડળ દ્વારા ભક્તો માટે લાઈવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ લાલબાગ ચા રાજાનું 90મું વર્ષ છે. આ પહેલાં ચોથી જુલાઈના રોજ લાલબાગ ચા રાજા ગણેશોત્સવ મંડપ પૂજન અને બાપ્પાનું પાદ્ય પૂજન કરવામાં આવ્યું હતું.
લાલબાગ ચા રાજા ગણેશોત્સવ મંડળના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગયા વર્ષે બાપ્પાને ચરણે ભક્તોએ પાંચ કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યું હતું. આ ઉપરાંત પાંચ કિલોથી વધુ સોનાના દાગિના, 60 કિલો 341 ગ્રામ ચાંદી અને એક બાઈક પણ બાપ્પાને ચઢાવા તરીકે ચડાવવામાં આવી હતી.
મુંબઈ અને મહારાષ્ટ્રમાં લાલબાગ ચા રાજાનું ખૂબ જ મહત્ત્વ છે અને અહીંના બાપ્પાના દર્શન કરવા માટે લોકો માત્ર રાજ્ય જ નહીં પણ દેશભરમાંથી આવે છે.