આમચી મુંબઈમહારાષ્ટ્ર

ધૂળના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવાની જવાબદારી આઈઆઈટી મુંબઈના માથે…

સેન્સર આધારિત ઍર ક્વોલિટી મોનિટરિંગ મશીન બેસાડાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં ધૂળના વધતા પ્રદૂષણને રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકા સમગ્ર શહેરમાં સેન્સર આધારિત ઍર ક્વોલિટી મોનિટરિંગ મશીન બેસાડવાની છે. અગાઉ પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે ધૂળના પ્રદૂષણની તીવ્રતા ઓળખવા માટે સેન્સર આધારિત મશીન બેસાડવા આઈઆઈટી-કાનપૂરની મદદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ મુંબઈ અને કાનપુરમાં રહેલા પ્રદૂષણમાં જમીન-આસમાનનો ફરક હોવાથી હવે મશીન બેસાડવાની જવાબદારી પવઈ આઈઆઈટીને સોંપવામાં આવવાની છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈના વાતાવરણ અને કાનપૂરના વાતાવરણ તથા પ્રદૂષણનું પ્રમાણ અલગ છે, તેથી આઈઆઈટી-કાનપૂરને બદલે આઈઆઈટી-મુંબઈ પાસેથી તે મશીન લેવાનું યોગ્ય રહેશે. તેથી બહુ જલદી તેનો લગતો પ્રસ્તાવ આઈઆઈટી મુંબઈ સમક્ષ રાખવામાં આવવાનો છે.

આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ પરથી રુપિયા પાંચ કરોડનો ગાંજો પકડાયો: ત્રણની ધરપકડ

મુંબઈમાં ૨૦૨૨થી હવાની ગુણવત્તા સતત કથળી રહી છે, તેથી પાલિકાએ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે જુદી જુદી ઉપાયયોજનાને અમલમાં મૂકી હતી અને ઑક્ટોબર, ૨૦૨૩માં એક સર્ક્યુલર પણ બહાર પાડીને મુંબઈના બાંધકામ સ્થળો પર પ્રદૂષણને નિયંત્રણમાં પાલિકાની ગાઈડલાઈન મુજબ કામ કરવાનો આદેશ આપ્યો હતો. પાલિકાના નિયમોનું પાલન નહીં કરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવાનું પણ ચાલુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાલિકાએ પ્રદૂષણનેે નિયંત્રણમાં લાવવા માટે કાનપૂર આઈઆઈટીની મદદ લેવાનું નક્કી કર્યું હતું, જેમાં તેની પાસેથી સેન્સર આધારિત મશીન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આઈઆઈટી-કાનપૂરના ઉચ્ચ અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી એ દરમિયાન જણાઈ આવ્યું હતું કે કાનપૂર અને મુંબઈના ભેજ, પ્રદૂષણ અને વાતાવરણમાં ખાસ્સો એવો ફરક છે. મુંબઈમાં ૭૦ ટકાથી વધુ ધૂળ અને ભેજ છે. તેથી આઈઆઈટી-કાનપૂરનું સેન્સર મશીન મુંબઈ માટે બહુ અસરકારક સાબિત થશે નહીં. તેથી આઈઆઈટી-કાનપૂરને બદલે આઈઆઈટી-મુંબઈ પાસેથી ૨૫૦ સેન્સર મશીન લેવામાં આવવાના છે.

આ મશીનો વાહનોના પ્રદૂષણની તીવ્રતા તેમ જ બેકરી, રસ્તાઓ તથા અન્ય બાંધકામની પ્રવૃતિઓમાંથી નીકળતી ધૂળને ઓળખવામાં મદદ કરશે. આનાથી પાલિકાને પ્રદૂષણના સ્રોતને ઓળખવામાં મદદ મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button