
મુંબઈઃ બળાત્કારના આરોપીના ‘ટ્રાયલ’ વખતે કોર્ટના જજ પર શરમજનક હરકત કરવાને કારણે કોર્ટમાં દોડાદોડી થઈ ગઈ હતી. પોલીસે પોસ્કો (પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફન્સીસ) ટ્રાયલની અંતિમ સુનાવણી દરમિયાન શનિવારે દિંડોશી સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પર કથિત રીતે ચપ્પલ ફેંકવા બદલ એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.
આ ઘટના ત્યારે બની જ્યારે આરોપી પ્રેમકુમાર જીતલાલ ગુપ્તા (૪૩)ને શનિવારે બપોરે ૩.૩૦ વાગ્યે ન્યાયાધીશ સમીર અખ્તર અંસારી સજા સંભળાવી રહ્યા હતા. ગુપ્તાને ૨૧૭માં એક સગીર સાથે બળાત્કાર કરવાના આરોપમાં થાણે જેલમાં બંધ કરવામાં આવ્યો હતો. ૨૦૧૯થી આ કેસની સુનાવણી ચાલી રહી છે.
અંતિમ દલીલો પછી, કોર્ટ નંબર ૧૩ ના ન્યાયાધીશે ગુપ્તાને સાક્ષી બોક્સમાં આવવા કહ્યું હતું અને તેમને જાણ કરી હતી કે સરકારી વકીલ દ્વારા તેમની સામેના કેસમાં દલીલો પૂર્ણ થઇ હતી. બપોરે ૩.૩૦ વાગ્યે ગુપ્તા સ્ટેન્ડ પર હતા, જ્યારે ન્યાયાધીશે તેમને કેસ અંગેના તેમના વિચારો વિશે પૂછ્યું. આ સમયે ગુપ્તાએ તેનું ચંપલ ઉપાડ્યું અને તેને ન્યાયાધીશ તરફ ફેંક્યું હતું, જે તેમના ચહેરા પર વાગ્યું હતું. કોર્ટ રૂમમાં કોન્સ્ટેબલોએ તરત જ મલાડ પૂર્વના રહેવાસી ગુપ્તાને પકડી લીધો અને ન્યાયાધીશને ચેક-અપ માટે હોસ્પિટલમાં લઈ ગયા.
ગુપ્તાની બાદમાં કુરાર પોલીસ દ્વારા જાહેર સેવકને તેની ફરજ બજાવતા અટકાવવાના આરોપમાં અને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૩ અને ૩૩૬ હેઠળ અન્ય લોકોના જીવનને જોખમમાં મુકવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. અમે ગુપ્તાની ધરપકડ કરી હતી અને તેના કૃત્ય પાછળનો હેતુ શોધવા માટે તપાસ કરી રહ્યા છીએ, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.