મુંબઈમાં ‘ડુપ્લિકેટ’ મતદારોની મોકાણઃ મતદાર યાદીમાં કુલ સંખ્યા 11 લાખે પહોંચી, પંચની પારદર્શક કામગીરી પર સવાલ

મુંબઈઃ હાલ આખા દેશમાં મતદાર યાદીમાં સુધારાનું કામ ચાલી રહ્યું છે. મુંબઈમાં પણ મતદાર યાદીમાં સુધારવાનું કામ ચાલુ છે ત્યારે એક ચોંકાવનારી વાત જાણવા મળી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર મતદાર યાદીમાં એક જ વ્યક્તિનું નામ બે-ત્રણ વાર નહીં પરંતુ 103 વાર નોંધાયેલું જોવા મળ્યું છે. આ હકીકત ચૂંટણી અને વહીવટી પ્રક્રિયાઓની ચોકસાઈ પર પ્રશ્નો ઊભા કરે છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ડ્રાફ્ટ મતદાર યાદીના ડેટા અનુસાર શહેરમાં 1.3 કરોડ મતદારો છે, જેમાંથી અંદાજે 4,33,000 લોકોના એકથી વધુ વખત મતદાર યાદીમાં નામ નોંધાયેલા છે. વારંવાર નામ નોંધણી કરાવવાને કારણે ડુપ્લિકેટ મતદારોની કુલ સંખ્યા લગભગ 11 લાખ સુધી પહોંચી ગઈ છે. જોકે, વહીવટીતંત્ર પાસે આ સંદર્ભમાં સચોટ માહિતી ઉપ્લબ્ધ નહીં હોવાના કારણે આ ડુપ્લિકેટ નામોમાં દરેક વ્યક્તિનું નામ કેટલી વાર નોંધાયું છે તે સ્પષ્ટ નથી.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિનું નામ યાદીમાં 103 વખત હોય તો પણ તે ફક્ત એક જ વાર મતદાન કરી શકે છે. આ નિયમ મતદારની ઓળખ અને મતદાન પ્રક્રિયાની નિષ્પક્ષતાની ખાતરી આપે છે. માહિતી સામે આવી છે કે આ નામ 227 વિભાગોમાં નોંધાયેલું છે પરંતુ વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે આ વ્યક્તિ ફક્ત એક જ જગ્યાએ મતદાન કરી શકે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને ડુપ્લિકેટ મતદારોના નામ દૂર કરવા માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ઝુંબેશ 23 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ચાલશે. આ ઝુંબેશ હેઠળ, ડુપ્લિકેટ નામોની ઓળખ અને તેને દૂર કરવાનું કામ સહાયક કમિશનર અને સંબંધિત અધિકારીઓ દ્વારા 24 વોર્ડના ચૂંટણી કાર્યાલયો દ્વારા કરવામાં આવશે. વહીવટીતંત્રનો ઉદ્દેશ મતદાર યાદીને સ્વચ્છ અને સાચી બનાવવાનો છે.
ખાસ ઝુંબેશમાં એ સુનિશ્ચિત કરવામાં આવશે કે જે લોકોના નામ પુનરાવર્તિત થાય છે તેમની ઓળખ કર્યા પછી, યાદીમાં ફક્ત એક જ નામ રહે. સાથે, ભવિષ્યની ચૂંટણીઓમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ અને મતદાર ઓળખ સંબંધિત સમસ્યાઓ અટકાવી શકાય.
આપણ વાંચો: મીરા-ભાયંદરને માર્ચ ૨૦૨૬થી પૂર્ણ ક્ષમતા સાથે પાણી મળશે…


