આ કારણથી સવારના પીક અવર્સમાં સેન્ટ્રલ રેલવે ખોરવાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સમય કરતા હંમેશા મોડી દોડવા માટે પંકાયેલી મધ્ય રેલવેમાં મંગળવારે વહેલી સવારે ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે લોકલ સેવા ખોરવાઈ ગઈ હતી. તેને કારણે સવારના પીક અવર્સમાં ઓફિસે જવા નીકળેલા પ્રવાસીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
મધ્ય રેલવેમાં શનિવારથી ચાલી રહેલા નાઈટ બ્લોકને કારણે છેલ્લા બે દિવસથી સવારના પીક અવર્સમાં ટ્રેનો તેના શેડ્યુલથી મોડી દોડી રહી હોવાને કારણે ઓફિસે જનારાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રવાસીઓને આ તકલીફ ઓછી હોય તેમ મંગળવારે આંસનગાવ-વાસિંદ દરમિયાન ફરી બ્લોક લેવામાં આવ્યો હતો. આ બ્લોક દરમિયાન મંગળવારના સવારના લગભગ ૫.૩૦ વાગ્યા દરમિયાન સિગ્નલ સિસ્ટમમાં તાર તૂટી ગયો હતો અને તેને કારણે લોકલ રેલ સેવા ખોરવાઈ ગઈ હતી.
સવારના સમયમાં સમારકામમાં લગભગ અડધો કલાકનો સમય નીકળી હતો. વહેલી સવારના લગભગ છ વાગ્યાની આસપાસ તારને જોડવાનું કામ પૂરું થયું હતુંં. જોકે તેને કારણે કસારાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જતી ટ્રેનો મોડી પડી હતી.