બુધવારે આ કારણે ખોરવાયો મધ્ય રેલવેનો ટ્રેનવ્યવહાર… પ્રવાસીઓમાં રોષની લાગણી…
મુંબઈઃ નવા વર્ષના પહેલાં જ દિવસે વિવિધ કારણોસર મધ્ય રેલવેનો ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો અને બુધવારે સવારે ધુમ્મસને કારણે મધ્ય રેલવેની ટ્રેનોની બ્રેક લાગી ગઈ હતી અને ધસારાના સમયે ટ્રેનો મોડી પડવાને કારણે મુંબઈગરાને પારાવાર હાલાકિનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ સિવાય ડોંબિવલી-કોપર સ્ટેશન વચ્ચે અકસ્માતને કારણે આ હાલાકીમાં વધારો થયો હોવાની માહિતી સાધનો દ્વારા આપવામાં આવી હતી.
મધ્ય રેલવે પર ટ્રેનો મોડી પડવી એ ખૂબ જ સામાન્ય છે અને દરરોજ કોઈને કોઈ કારણસર મધ્ય રેલવે પર લોકલ ટ્રેનો મોડી જ દોડતી હોય છે. બુધવારે વહેલી સવારથી જ ટ્રેનો 10થી 15 મિનીટ દોડી રહી હતી અને એમાં ડોંબિવલી-કલ્યાણ વચ્ચે ટ્રેનમાંથી પડી જતાં એક પ્રવાસીનું મૃત્યુ થતાં ટ્રેનો વધારે મોડી પડી હતી.
રેલવે પોલીસ અને અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પ્રવાસીનો મૃતદેહ ટ્રેક પરથી દૂર કર્યો હતો અને તેને કારણે લોકલ ટ્રેનોની લાઈનો લાગી ગઈ હતી. દરમિયાન ભુસાવળ ડિવિઝનમાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળતાં મુંબઈ ડિવિઝનમાં આવતી ટ્રેનો મોડી પડી હતી, જેને કારણે લોકલ ટ્રેનોની અવરજવર પર પણ તેની અસર જોવા મળી હોવાનું મધ્ય રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું.
શિયાળામાં ધુમ્મસને કારણે, ચોમાસામાં ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે જ્યારે ઉનાળામાં ટ્રેક ફ્રેક્ચરને કારણે લોકલ ટ્રેનોનું ટાઈમટેબલ ખોરવાતો હોવાનું કારણ આપીને મધ્ય રેલવે દ્વારા પોતાનો પાંગળો બચાવ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણી વખત પ્રવાસીઓ દ્વારા વિવિધ કારણોસર કરવામાં આવતા ચેન પુલિંગનો ફટકો પણ ટ્રેનવ્યવહાર પર જોવા મળે છે. મધ્ય રેલવેએ આવા કારણો આપીને પોતાનો બચાવ કરવા કરતાં તેના ઉકેલ વિશે વિચારી કામ કરવું જોઈએ એવો મત પ્રવાસીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ડોંબિવલી-કોપર વચ્ચે લોકલ ટ્રેનમાંથી એક પ્રવાસી પડી જતા તેનું મૃત્યુ થયું હોવાની માહિતી ડોંબિવલી રેલવે પોલીસ દ્વારા આપવામાં આવી હતી.