સ્થાનિક સ્વાયત્ત સંસ્થાના નિયમોમાં કેન્દ્રે કરેલા ફેરફારને કારણે મહારાષ્ટ્ર રૂ. 8,000 કરોડથી વંચિત રહેશે: પૃથ્વીરાજ ચવ્હાણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્ર સરકારે સ્થાનિક સ્વાયત્ત સંસ્થાના પાત્રતા અંગેના નિયમોમાં ફેરફાર કર્યા હોવાથી મહારાષ્ટ્રને રૂ. 8,000 કરોડ ગુમાવવા પડશે એવી ભીતી કૉંગ્રેસના સિનિયર નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે વિધાનસભામાં વ્યક્ત કરી હતી.
તેમણે એવી માગણી કરી હતી કે રાજ્યની મહાયુતી સરકારે આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરીને ગ્રામ વિકાસ માટે કેવી રીતે ભંડોળ મેળવી શકાય તેના પ્રયાસો કરવા જોઈએ.
મહારાષ્ટ્રને ગ્રામ્ય વિસ્તારમાં કામ કરનારી સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓને રૂ. 8,000 કરોડ મળવાનું અપેક્ષિત છે. જોકે, કેન્દ્ર સરકારે ભંડોળની ફાળવણી માટેના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે અને તેને પગલે જ્યાં સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓ અસ્તિત્વમાં હોય તેમને જ આ ભંડોળ મળી શકે એમ છે, એમ તેમણે આ મુદ્દે સ્થગન પ્રસ્તાવ માંડતા કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે અત્યારે રાજ્યમાં એકેય સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓ છેલ્લા બે વર્ષથી કાર્યરત નથી અને તેઓ વહીવટકર્તાના અધિકારમાં છે. આ સ્થિતિમાં મહારાષ્ટ્રને રૂ. 8,000 કરોડ ગુમાવવાનો વારો આવી શકે એમ છે.
જોકે, સ્પીકર રાહુલ નાર્વેકરે આ સ્થગન પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.