પુણેમાં ફરી ડ્રન્ક ઍન્ડ ડ્રાઈવ
બૅરિકેડ સાથે અથડાયેલી કારનું ટાયર છુટ્ટું પડી રિક્ષા સાથે ટકરાયું: ચાર જખમી
પુણે: પુણેમાં બનેલા વિચિત્ર અકસ્માતમાં બૅરિકેડ સાથે અથડાયેલી કારનું ટાયર છુટ્ટું પડી રિક્ષા સાથે ટકરાતાં ચાર જણ ઘવાયા હતા. કાર ચલાવનારો યુવક દારૂના નશામાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારે પિંપરી ચિંચવડ વિસ્તારના જગતાપ ડેરી ચોક પરિસરમાં બની હતી. આ ઘટનામાં રિક્ષામાં પ્રવાસ કરનારા ચાર જણ ઘવાયા હતા. સદ્નસીબે તેમને ગંભીર ઇજા પહોંચી નહોતી. ચારેયને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આ ડ્રન્ક ઍન્ડ ડ્રાઈવિંગનો કેસ હોવાથી ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો તેમ જ મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર 21 વર્ષનો યુવક દારૂના નશામાં કાર ચલાવી રહ્યો હતો. યુવકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર બૅરિકેડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરથી થઈ હતી કે કારનું એક ટાયર છૂટું પડી ગયું હતું. છૂટું પડેલું કાર નજીકથી પસાર થનારી રિક્ષા સાથે ટકરાયું હતું, જેને કારણે રિક્ષાના ચાર પ્રવાસી ઘવાયા હતા, એમ પિંપરી ચિંચવડના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર વિશાલ હિરેએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મહિના અગાઉ જ પુણેના કલ્યાણી નગરમાં 17 વર્ષના કિશોરે નશામાં પોર્શે કાર ચલાવી બે સોફ્ટવેર એન્જિનિયરની બાઈકને અડફેટે લીધી હતી. આ ઘટનામાં બન્ને એન્જિનિયરનાં મોત નીપજ્યાં હતાં. (પીટીઆઈ)