60 કરોડનું ડ્રગ અને 69 લાખની રોકડ જપ્ત: ત્રણની ધરપકડ

મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ડ્રગ્સ તસ્કરીના રૅકેટનો પર્દાફાશ કરી દક્ષિણ મુંબઈના ડોંગરી અને નાગપાડા પરિસરમાંથી ત્રણ જણની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી અંદાજે 60 કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) અને 69 લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
ડ્રગ્સની તસ્કરીમાં મુંબઈની સિન્ડિકેટ સંડોવાયેલી હોવાની માહિતીને આધારે એનસીબીના અધિકારીઓએ માહિતી એકઠી કરી હતી. આ સિન્ડિકેટ ડોંગરીનો મુશરફ જે. કે. ચલાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
માહિતીને આધારે એનસીબીના અધિકારીઓએ બુધવારે નાગપાડા પરિસરમાં છટકું ગોઠવ્યું હતું. ડ્રગ્સ પહોંચાડવા આવેલા મુશરફને તાબામાં લેવાયો હતો. તેની પાસેની બૅગની તપાસ કરતાં 10 કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું, એમ એનસીબીના મુંબઈ ઝોનલ યુનિટના અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રને નવી દિશા આપવાના નિર્ધારનું બજેટ: એકનાથ શિંદે
પૂછપરછમાં મુશરફે ડ્રગ્સ ક્યાં મૂક્યું છે તે સ્થળની જાણકારી આપી હતી. એનસીબીના અધિકારીઓએ આ રૅકેટ સાથે સંકળાયેલી મહિલા નૌશીનની માલિકીની જગ્યાએ સર્ચ હાથ ધરી હતી. ત્યાંથી વધુ 10 કિલો એમડી અને ડ્રગ્સ વેચીને થયેલી કમાણીના 69 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.
તપાસમાં એનસીબીએ ડ્રગ્સની હેરફેર કરનારા સૈફની પણ ધરપકડ કરી હતી. વડાલામાં ડ્રગ્સનું ક્ધસાઈન્મેન્ટ પહોંચાડવા આવેલા સૈફને ગુરુવારે પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી 11 કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું. લાંબા સમયથી કાર્યરત આ સિન્ડિકેટ એમએમઆર રિજનમાં ડ્રગ્સ સપ્લાય કરતી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)