વસઈના ફ્લૅટમાંથી 11.58 કરોડનું ડ્રગ્સ જપ્ત: નાઈજીરિયનની ધરપકડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

વસઈના ફ્લૅટમાંથી 11.58 કરોડનું ડ્રગ્સ જપ્ત: નાઈજીરિયનની ધરપકડ

પાલઘર: વસઈના એક ફ્લૅટમાં કાર્યવાહી કરી પોલીસે અંદાજે 11.58 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરી નાજીરિયન નાગરિકની ધરપકડ કરી હતી. તાજેતરના સમયમાં પાલઘર જિલ્લામાં ડ્રગ્સનો જપ્ત કરાયેલો આ સૌથી મોટો જથ્થો હોવાનું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

વસઈ પૂર્વમાં એવરશાઈન સિટી પરિસરમાંની મહેશ એપાર્ટમેન્ટ બિલ્ડિંગના એક ફ્લૅટમાં શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતી મળતાં મીરા-ભાયંદર વસઈ-વિરારની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2ના અધિકારીઓએ કાર્યવાહી કરી હતી. સિનિયર ઈન્સ્પેક્ટર સમીર અહિરરાવની ટીમે પાંચમી એપ્રિલની મધરાતે ફ્લૅટ પર રેઇડ કરી હતી, એમ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) મદન બલ્લાળે જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા ફ્લૅટમાંથી નાજીરિયન નાગરિક વિક્ટર ઓડિચિમ્મા ઓનુવાલા ઉર્ફે ડાઈકે રેમન્ડ (37)ને પકડી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેની પાસેથી 48 ગ્રામ કોકેન મળી આવ્યું હતું. તેનો બનાવટી પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: નવી મુંબઈમાં 12 કરોડનું ડ્રગ્સ જપ્ત:16 આફ્રિકન નાગરિકની ધરપકડ…

રેમન્ડના ફ્લૅટમાંથી એક ચાવી મળી આવી હતી, જે ચોથા માળના ફ્લૅટની હતી. પોલીસે એ ફ્લૅટમાંથી તપાસ કરતાં 23 કિલો મેફેડ્રોન (એમડી) અને ડ્રગ્સની ગુણવત્તામાં ફેરફાર કરવા વપરાતું કેમિકલ મળી આવ્યું હતું. એ ફ્લૅટમાંથી પોલીસને ઈગ્વેનુબા ચુક્વેબુકા ચિમાઓબી લેગૉસનો પાસપોર્ટ મળી આવ્યો હતો. ઈગ્વેનુબાની પણ ડ્રગ્સ સપ્લાયમાં સંડોવણી હોવાનું જણાયું હતું. પોલીસ તેની શોધ ચલાવી રહી છે.

પકડાયેલા બન્ને આરોપી વિરુદ્ધ વાલિવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી ઓનુવાલા વિરુદ્ધ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો હોવાનું તપાસમાં જણાયું હતું. (પીટીઆઈ)

સંબંધિત લેખો

Back to top button