નવી મુંબઈમાં 12 કરોડનું ડ્રગ્સ જપ્ત:16 આફ્રિકન નાગરિકની ધરપકડ…
થર્ટીફર્સ્ટને ધ્યાનમાં રાખી નવી મુંબઈ પોલીસના પચીસ સ્થળે દરોડા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થર્ટીફર્સ્ટની પાર્ટીઓમાં ડ્રગ્સના ઉપયોગને ધ્યાનમાં રાખી નવી મુંબઈ પોલીસે પચીસ સ્થળે દરોડા પાડી નશીલા પદાર્થ વેચનારાઓનો સપાટો બોલાવ્યો હતો. પોલીસે એક જ રાતમાં 16 આફ્રિકન નાગરિકની ધરપકડ કરી અંદાજે 12 કરોડ રૂપિયાનું વિવિધ પ્રકારનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
આ પણ વાંચો : રેલવેની જમીન પર અતિક્રમણઃ મંદિર તોડવા મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ સરકાર કર્યાં ગંભીર સવાલ
નવી મુંબઈ શહેરમાં ડ્રગ્સનું વેચાણ મોટા પાયે થતું હોવાની માહિતી પોલીસને મળી હતી. ગયા વર્ષે પણ પોલીસે ખારઘર પરિસરમાં નાઈજીરિયોના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. થર્ટીફર્સ્ટની પાર્ટીમાં પૂરું પાડવા માટેનાં ડ્રગ્સ નાઈજીરિયનો પાસેથી મળી આવ્યું હતું. આ વર્ષે પણ નવા વર્ષની ઉજવણી વખતે પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થવાની શક્યતાને ધ્યાનમાં રાખી પોલીસે ગુરુવારની રાતે કાર્યવાહી કરી હતી.
નવી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા અને એન્ટિ-નાર્કોટિક્સ સેલના અધિકારીઓએ કૉમ્બિંગ ઑપરેશન હાથ ધરી શહેરમાં પચીસ સ્થળે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 10.22 કરોડ રૂપિયાનું કોકેન અને 1.40 કરોડ રૂપિયાનું એમડી જપ્ત કરાયું હતું. એ સિવાય ચરસ, મિથિલીન અને ગાંજો પણ હસ્તગત કરાયો હતો.
આ પણ વાંચો : માનવતા શરમાઈઃ હેલ્મેટ પહેરેલ વ્યક્તિએ મૃત મહિલાના હાથમાંથી બંગડીઓ ચોરી, વીડિયો વાયરલ
પોલીસના જણાવ્યા મુજબ ડ્રગ્સ સંબંધી કેસમાં 13 આફ્રિકન નાગરિકની ધરપકડ કરાઈ હતી, જ્યારે ત્રણ જણને બનાવટી પાસપોર્ટ અને વિઝા મામલે પકડી પાડવામાં આવ્યા હતા. કૉમ્બિંગ ઑપરેશન દરમિયાન 73 આફ્રિકન નાગરિકની તપાસણી કરવામાં આવી હતી. પાસપોર્ટ અને વિઝાની મુદત પૂરી થયા છતાં નવી મુંબઈમાં વસવાટ કરનારાઓને નોટિસ આપવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.